તાલુકા પ્રમુખની વરણી અટકતા બાવાના બંને બગડયા જેવી સ્થિતિઃ જિલ્લા ભાજપ તરફથી શિસ્તભંગ અંગેની આપવામાં આવી નોટિસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.10: સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા તાલુકા અને શહેર પ્રમુખોની નવી વરણી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તારીખ 7 અને 8 ડિસેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના તાલુકા અને શહેર પ્રમુખના ફોર્મ ભરવામાં આવ્યા હતા.
જેમાં પારડી તાલુકા પ્રમુખ તરીકે દીક્ષાંત પટેલ પરીયા, રાજેન્દ્ર પટેલ ડુંગરી, ધૃવિન પટેલ કોટલાવ, પુનિત પટેલ સુખેશ, ડેગીશ આહીર મોતીવાડા, હેમંત પટેલ સોંઢલવાડા, તેમજ મિતેશ પટેલ બાલદા એમ કુલ સાત જેટલા ઉમેદવારોએ પારડી તાલુકા પ્રમુખ તરીકેના ફોર્મ ભર્યા હતા અને આ ફોર્મ ભરાયા બાદ તારીખ 9,10, 11, 12 અને 13 ડિસેમ્બરના રોજ ચૂંટણી અધિકારી સહિત ભાજપના હોદ્દેદારોએ જે તે વિસ્તારના ભાજપના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી સેન્સ પ્રક્રિયા બાદ 15 થી 18 તારીખ દરમિયાન નવા પ્રમુખનું નામ જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ હાલમાં નવ જેટલી મહાનગરપાલિકાનું સીમાંકન અંગેની મંજૂરીનું કામ ચાલી રહ્યું હોય આ પ્રમુખની વરણી હાલમાં સ્થગિત કરવામાં આવી છે. ભાજપમાં એક પરિવારમાંથી એક જ સભ્ય હોદ્દેદાર હોવાના નિયમને લઈ પારડી તાલુકાના સુખેશના પુનિત પટેલે પોતે તાલુકા પ્રમુખનું ફોર્મ ભર્યા પહેલા જ પોતે તાલુકા પ્રમુખ બની ગયા હોવાનું સમજી એમની પત્ની અને માજી તાલુકા પંચાયત પ્રમુખ એવા મિતલબેન પુનીતભાઈ પટેલ પાસેથી તારીખ 6 ડિસેમ્બર 2024 ના રોજ તાલુકા પંચાયતના સભ્ય પદેથી પોતાનું અંગત કારણ હોવાનું દર્શાવી રાજીનામું આપી દેતા સૌ અચંબામાં પડી ગયા હતા.
આમ ફક્ત તાલુકા પ્રમુખ તરીકેનું ઉમેદવારી ફ્રોમ ભરતા પહેલા જ પોતે તાલુકા પ્રમુખ બની ગયા હોવાનું સમજી પોતાની પત્ની પાસે રાજીનામું અપાવતા અન્ય ઉમેદવારી કરનાર છ ઉમેદવારો સહિત સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા અન્ય નવ જેટલી મહાનગર પાલિકાનું સીમાંકનની મંજૂરીનુંકાર્ય ચાલી રહ્યું હોય હાલ પૂરતું પ્રમુખની વરણી અંગેનું નામ જાહેર કરવાનું સ્થગિત કરી દેવાતા મિતલબેનના આ રાજીનામુંને લઈ હાલમાં તો બાવાના બંને બગડ્યા જેવી સ્થિતિ સર્જાય છે.
મિતલબેન પુનીતભાઈ પટેલ આ તાલુકા પંચાયત સભ્યની ચૂંટણી ભાજપના નિશાન કમળ પર ચૂંટાઈ આવ્યા હોય રાજીનામું આપતા પહેલા તેઓએ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે કોઈપણ ચર્ચા વિચારણા કે જાણ કર્યા વિના રાજીનામું આપી દેતા તેઓને આ અંગેની ગેરશિસ્ત તથા શિસ્ત ભંગના પગલાં અંગેની નોટીસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.