Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

દીવના ઘોઘલા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત ઉપ રાષ્‍ટ્રપતિશ્રીએ મકાનનું ઉદ્‌ઘાટન કરીને લાભાર્થીઓને સોંપેલી ચાવી

આવતા માર્ચ મહિના સુધીમાં દીવમાં 41 જેટલા રોડોનું કામ સંપૂર્ણ ગુણવત્તા સાથે પૂર્ણ થવાનો પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલો વિશ્વાસ

અમે તમારા માટે જ છીએ અને તમારૂં ભલું કરીને જ રહીશું: પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.22 : દેશના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત દીવના ઘોઘલા ખાતે લાભાર્થીઓને ચાવી આપી મકાનોનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ સાથે તેમનો કોઈ પૂર્વ જન્‍મનો નાતો હોવો જોઈએ. કારણ કે, આ પ્રદેશ પ્રત્‍યે ખુબ લગાવ થયો છે. તેમણે ફરી દીવ-દમણ આવવા પોતાનું વચન પણ આપ્‍યું હતું.
શ્રી ધનખડે જણાવ્‍યું હતું કે, દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રદેશમાં શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વના કારણે જ વિકાસ સંભવ બની રહ્યો છે. તેમણે જણાવ્‍યું હતુંકે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનની માલિક મહિલા છે. મકાનની ચાવી મહિલા પાસે છે. આ એક મોટું મહિલા સશક્‍તિકરણનું પણ કામ છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સૌથી મોટું પરિવર્તનનું કેન્‍દ્ર શિક્ષણ છે. તેમણે 45 દિવસની અંદર લાભાર્થીઓના બાળકો માટે કેટલાક પુસ્‍તકો અને ભેટ મોકલવા પણ વચન આપ્‍યું હતું. તેમણે ફલેટધારક લાભાર્થીઓ માટે કામના કરી હતી કે, અહીં લક્ષ્મી અને સરસ્‍વતીનો વાસ રહે.
ઉપરાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જણાવ્‍યું હતું કે, દેશ રામરાજ્‍ય તરફ આગળ વધી રહ્યો છે અને આપણો ભારત દેશ સાચી દિશામાં જઈ રહ્યો છે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ભરપેટ પ્રશંસા કરી હતી.
પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વ્‍યક્‍તિના જીવનમાં પોતાનું મકાન બનાવવાનું અને દિકરા-દિકરીના લગ્ન સંપન્‍ન કરાવવું મહત્ત્વનું હોય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મકાન બનાવવાનું સ્‍વપ્‍ન સાકાર કર્યું છે, આ ફલેટનું જમીનના મૂલ્‍ય સાથે લગભગ રૂા.15 લાખની કિંમતનો ફલેટ હોવાનું જણાવ્‍યું હતું. આ આવાસમાં ગેસનું કનેક્‍શન, સોલર પેનલ, ટ્રીટેડ વોટર, બાળકોને રમવા માટે પ્‍લે એરિયા, હરવા-ફરવા માટે ગાર્ડન, કેમ્‍પસમાં સુંદર મજાના રસ્‍તા સહિતની અનેક વ્‍યવસ્‍થાઓ છે.
પ્રશાસકશ્રીએ ખુબજ ભાવુક બની જણાવ્‍યું હતું કે, આ પ્રદેશ માટે મોદી સાહેબે શું નથી કર્યું?, શિક્ષણ, માળખાગત સુવિધા, આરોગ્‍ય સહિત અનેક ક્ષેત્રે ખુબ આપ્‍યું છે. સંઘપ્રદેશમાં શહેર અને ગ્રામીણ મળી 21 હજાર જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જે પૈકી દાદરા નગર હવેલીમાં 12 હજાર આવાસોમાંથી 4 હજાર પૂર્ણ થવાની કગાર ઉપર છે. જ્‍યારે સેલવાસ શહેરમાં 1200 આવાસનું કામ ચાલી રહ્યું છે.
દીવમાં કુલ 140 જેટલા આવાસોની ફાળવણી કરવામાં આવી છે. તેમણે જણાવ્‍યું હતું કે, ખુબ ભાવ સાથે કામ કર્યું છે અને ગરીબોને જ્‍યારે આપવાનું છે ત્‍યારે દરેક રીતની કાળજી લેવાઈ છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, છેલ્લા એકાદ-બે ચોમાસામાં દીવના લોકોને તકલીફ પડી હશે અને ગાળો પણ દીધી હશે, પરંતુ અમને ગાળો ખાવાની ટેવ છે. આઠ વર્ષથી ગાળો ખાઈને જ કામ કરી રહ્યા છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આવતા માર્ચ મહિના સુધીમાં દીવમાં 41 જેટલા રોડનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે અને કોઈપણ જગ્‍યાએ ભૂવો નહીં પડે તેની પુરી ગેરંટી અને કાળજી લીધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, અમે તમારા માટે જ છીએ અને તમારૂં ભલું કરીને જ રહીશું. દીવના વણાંકબારામાં 120 કરોડના ખર્ચેદેશમાં નહીં હોય તેવું સુંદર હાર્બર બનવા જઈ રહ્યું છે અને ટૂંક સમયમાં દીવ ખાતે ડ્રેજીંગનું કામ પણ શરૂ થવાનું હોવાની જાણકારી આપી હતી.
પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, ભારત સરકારે આ ટચૂકડા પ્રદશને આપવામાં કોઈ કસર છોડી નથી. પ્રધાનમંત્રીશ્રીની કૃપાદૃષ્‍ટિ હંમેશા આ પ્રદેશ ઉપર રહી છે. તેમણે જણાવ્‍યું હતું કે, વિકાસની યાત્રાનું ક્‍યારેય પૂર્ણવિરામ નહીં હોય, હંમેશા અલ્‍પવિરામ જ હોય છે. તેમણે આવતા દિવસોમાં દીવ ખાતે ખુબ જ મોટાપાયે ટુરિઝમ ડેવલપ થવાનું હોવાની પણ ભવિષ્‍યવાણી કરી હતી.
આ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ, દીવ જિલ્લા અને દીવ નગરપાલિકાના પ્રમુખો, ઉપ પ્રમુખો, જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો, હોટલ-ઉદ્યોગોના માલિકો સહિત લાભાર્થીઓ અને આમલોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી જીઆઈડીસી ફોર્થ ફેઝ બિલખાડી કિનારે મુખ્‍ય પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણી વેડફાટ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો ભવ્‍ય ફનફેરઃ વિદ્યાર્થીઓ અને વાલીઓએ લીધેલો ઉત્‍સાહથી ભાગ

vartmanpravah

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

સેલવાસ નગર પાલિકા દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન તેજ

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

Leave a Comment