કડૈયા કોસ્ટલ પોલીસે ડમ્પર ચાલકની કરેલી ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: નાની દમણના કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારના દુણેઠા ડમ્પિંગ સાઈટ પર આજે શુક્રવારે બપોરે એક દોઢ વર્ષના માસૂમ બાળકને એક ડમ્પરે ટક્કર મારતાં કરૂણ મોત નીપજ્યું હતું. બાળકનું મોત થવાથી તેમના સગાં-સંબંધીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુણેઠા ખાતેની ડમ્પિંગ સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકનું એક દોઢ વર્ષનું બાળક રમી રહ્યું હતું. બાળક રમતાં રમતાં સાઈટ પર કાર્યરત ડમ્પર તરફ પહોંચી ગયું. એવામાં ડમ્પર ચાલક ડમ્પરને લઈને સાઈટથી નીકળ્યો તો બાળક પણ તેની અડફેટમાં આવી ગયું. બાળક ડમ્પરની અડફેટમાં આવવાથી તેનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું. બાળકનું મોત થવાથી સાઈટ પર કામ કરી રહેલા તેના પરિજનોમાં ગમગીની છવાઈ હતી અને ભારે આક્રંદ કર્યું હતું.
ઘટના અંગેનીજાણ પોલીસને થતાં તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી. ઘટનાની વધુ તપાસ નાની દમણ કડૈયા કોસ્ટલ પોલીસ કરી રહી છે.