-
સેલવાસ ન.પા.ના અધિકારીઓ વર્ષોથી કુંભકર્ણની ઘોર નિંદ્રામાં: કાઉન્સિલરો, શાસક અને વિરોધ પક્ષની પાંખનું પણ ભેદી મૌન
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અનેસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રદૂષણના મુદ્દે ‘નો ટોલરન્સ’ની નીતિ હોવા છતાં સેલવાસના બિલ્ડરો બેખૌફ બની ચલાવી રહેલા પોતાની તરકટલીલા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
સેલવાસ ખાતે કેટલાક બિલ્ડરો દ્વારા સરકારી નિયમોની ઉપેક્ષા કરી ડોકમરડી સરકારી ફાર્મ પાસેની વહેતી નદીમાં પોતાની બિલ્ડીંગોનું ગંદું પાણી છોડી મોટા પ્રમાણમાં પ્રદૂષણ કરી રહ્યા હોવાની બૂમ ઉઠી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ, કાઉન્સિલરો અને શાસક પાંખની મિલીભગતમાં સેલવાસના નામાંકિત બિલ્ડરો દ્વારા બનાવવામાં આવેલ સોસાયટી મારફત છેલ્લા ઘણાં વર્ષોથી સોસાયટીના ડ્રેનેજનું પાણી સીધું નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. સ્માર્ટ સીટી અંતર્ગત આવતા ગેરકાયદેસર બાંધકામ તથા ડ્રેનેજનું પાણી સીધું સરકારી જમીનમાં ઠાલવનાર સામે હથોડો ઝિંકતા પાલિકાના અધિકારીઓ બિલ્ડરો સામે કાર્યવાહી કરતાં કેમ ડરી રહ્યા છે એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નદીઓના પ્રદૂષણના મુદ્દે ‘નો ટોલરન્સ’ની નીતિ ધરાવે છે. ત્યારે સેલવાસના કેટલાક બિલ્ડરો દ્વારા પાલિકાની ડ્રેનેજ લાઈનમાં પોતાનું ગંદુંપાણી છોડવાની સાથે સાથે સીધું પાઈપલાઈન મારફત નદીમાં પણ ઠાલવી રહ્યા છે ત્યારે સંઘપ્રદેશ પ્રશાસને નગરપાલિકાના ભરોસે રહેવાની જગ્યાએ સ્વતંત્ર એજન્સી મારફત તપાસ કરાવી દોષિતો સામે ઠોસ પગલાં ભરવા જોઈએ એવી માંગ પ્રબળ બની છે.