(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ/દમણ, તા.10 : દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂની 12મી અને 13મી નવેમ્બરના બુધવારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગઈકાલ શનિવાર તા.9મી નવેમ્બરે દાદરા નગર હવેલી જિલ્લામાં આજે રવિવાર તા.10મી નવેમ્બરે દમણ જિલ્લામાં પૂર્ણ થયેલા અને કાર્યરત વિવિધ વિકાસ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી અને ઝીણવટતાથી નિરીક્ષણ કર્યું હતું. પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે તેમની મુલાકાત દરમિયાન શનિવારે સ્માર્ટ સીટી અંતર્ગત સેલવાસમાં કાર્યરત વિવિધ પરિયોજનાઓ તેમજ નરોલી સ્કૂલ, નરોલી ગ્રામ પંચાયત, અથાલ ગેમઝોન અને ઝંડાચોક શાળાની મુલાકાત લીધી હતી જ્યારે આજે રવિવારે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની મુલાકાત લીધી હતી જેમાં જમ્પોર ખાતેના એવીઅરી(પક્ષીઘર), સરકારી એન્જિનિરીંગ કોલેજ તેમજ નાની દમણમાં નમો પથની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.
આ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોન્ટ્રાક્ટરો,એન્જિનિયરો અને વિભાગના લાગતા વળગતા પ્રશાસનના અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા અને તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ કર્યો હતો.
