જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ પ્રથમ, ઉદવાડા મહિલા મંડળને દ્વિતિય પુરસ્કાર એનાયત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: શ્રી જયઅંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સુપ્રસિધ્ધ અંબામાતા મંદિર જી.આઈ.ડી.સી. વાપી ખાતે તા.27મીના રોજ મહિલા ભજન મંડળો વચ્ચે કોમ્પિટીશન યોજાઈ હતી. જેમાં 17 મહિલા ભજન મંડળોની ટીમોએ ભાગ લીધો હતો.
વાપી અંબામાતા મંદિરે યોજાયેલ ભજન ગંગાને પ્રોત્સાહિત કરવા માટે મહિલા મોરચા ભાજપ નોટિફાઈડની અધ્યક્ષા માયાબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે તેમજ સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી જવાહરભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભજન કોમ્પિટીશનમાં વાપી, ચણોદ, ઉદવાડાની વિવિધ 17 મહિલા ભજન મંડળની ટીમોએ ભાગલીધો હતો. એક-એકથી ચઢિયાતા ભજનોની રમઝટ જાગી હતી. બપોરથી પ્રારંભ થયેલ સ્પર્ધા સાંજે સાત વાગ્યા સુધી ચાલી હતી. કોમ્પિટીશનમાં જય અંબે સૌરાષ્ટ્ર મહિલા મંડળ ચણોદનો પ્રથમ નંબર તેમજ ઉદવાડા ભજન મહિલા મંડળનો દ્વિતિય નંબર હાંસલ કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન જજ મીનાબેન પરમાર, ભારતીબેન ચૌહાણ, નિલુબેન ચકલાસીયા, જ્યોતિબેન બધેકાએ સેવાઓ આપી હતી.