અંબાચનો અવિરત વિકાસ થયો છે અને ઘણો બદલાવ આવ્યો છે –
મંત્રી કનુભાઈ દેસાઈ મેજર બ્રિજ 12 કરોડના ખર્ચે બનશે જ્યારે રસ્તાઓનું કામ 13.68 કરોડના ખર્ચે પુરૂ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડી તાલુકાના અંબાચ ખાતેથી પારડી તાલુકાના રૂ.25.68 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં અંબાચ-પરિયા રોડ, સલવાવ મૂળગામ અંબાચ રોડ મેજર બ્રિજ અને અંબાચ ખેરલાવ બરઈ ગોઈમા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પારડીના પરિયા-અંબાચ-ચીભડકચ્છ રોડ રૂ.8 કરોડ 68 લાખના ખર્ચે 11 માસની સમય મર્યાદામાં તૈયાર કરાશે. જેમાં હયાત રોડની મજબૂતીકરણની કામગીરી, રોડ ફર્નિચર, બોક્ષ કલ્વર્ટ, એચ.પી.ડ્રેઈન અને પ્રોટેકશન વોલ સહિતની કામગીરી કરાશે. સલવાવ મૂળગામ અંબાચ રોડ પર કોલક નદી ઉપર મોટા પુલની કામગીરી રૂ.12 કરોડના ખર્ચે પૂર્ણ કરાશે. આ પુલ બનવાથી વાપીથી અંબાચ વચ્ચેનું અંતર 18કિમીની જગ્યાએ 5 કિમીનું થશે. અંબાચ-ખેરલાવ-બરઈ-ગોયમા રોડને પહોળો તથા મજબૂતીકરણની કામગીરી રૂ.5 કરોડના ખર્ચે 9 માસમાં પૂર્ણ કરાશે. આ રસ્તાથી અંબાચ, ખેરલાવ, બરઈ, ગોયમા અને ડુમલાવના લોકોને ફાયદો થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વિકાસ કાર્યોની ગ્રામજનો અને આસપાસના વિસ્તારના લોકોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, પ્રજાની ઉપસ્થિતિમાં જ દરેક કાર્યક્રમ સારો અને સફળ લાગે છે તેથી તેમની ઉપસ્થિતિ ખૂબ જ મહત્વની છે. છેલ્લા થોડા સમયમાં અંબાચ ગામ ખાતે વિવિધ વિકાસના કાર્યો થયા છે અને ઘણો બદલાવ આવ્યો છે. અને આ બદલાવ આવનારા સમયમાં થતો જ રહેશે. અંબાચ વિકસિત ગામ બનશે જ એ મારૂ વચન છે. આ વિવિધ કામોથી લોકોની સુખાકારીમાં વધારો પણ થશે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની 11મી ઈકોનોમીથી પાંચમી ઈકોનોમી બન્યું છે અને આવનારા વર્ષ 2027 સુધીમાં વિશ્વની 3જી મોટી ઈકોનોમી બનવા જઈ રહ્યું છે. જેનાથી દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે અને દરેક ક્ષેત્રે લાભો મળશે. મોદીજીના કાર્યકાળમાં જ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાથી 24 કલાક વીજળી મળતી થઈ છે તેમજ મફત અનાજ અનેઆયુષમાન કાર્ડ યોજનાથી અનેક લોકોને લાભો થઈ રહ્યા છે.
સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલ અને કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા જ્યારે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતિન પટેલે સ્વાગત પ્રવચન અને માર્ગ મકાન વિભાગ(પંચાયત)ના કાર્યપાલક ઈજનેર અમિષ પટેલે આભાર વિધી કરી હતી.
મેજર બ્રિજ બનવાથી અંતર 13 કિમી ઓછુ થતા આસપાસના સલવાવ, અંબાચ, ખેરલાવ, રોહિણા, ગોઈમા, રાતા અને કોપરલી ગામના વતનીઓને અવર જવર કરવામાં સરળતા રહેશે તેમજ આજુબાજુના ગામોને બારમાસી રસ્તો મળી રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મિતેશ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ભરતભાઈ જાધવ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ, વાપી તાલુકા પંચાયત પ્રમુખ મનોજભાઈ, વલસાડ સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, તાલુકા સંગઠન પ્રમુખ મહેશભાઈ દેસાઈ, અંબાચ ગામના સરપંચ મનીષાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.