માજી સૈનિક આંદોલન ગાંધીનગરમાં યોજાયેલ ત્યારે કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનથી મૃત્યુ થયું હતું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: ગુજરાત રાજ્યની સામાન્ય ચૂંટણી જેટલી ઢુકડી આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો અનેક ચુંથાઈ ગયેલ પડતર મુદ્દા અને માંગણીઓ સાથે પ્રજા વચ્ચે લાઈમલાઈટમાં રહેવા માટે મથામણ કરી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીએ પણ એન્ટ્રી મારી દીધી છે. આજે વલસાડમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં થયેલ સૈનિક આંદોલન વખતે માજી સૈનિકનું નિધન થયું હતું તે સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃતક માજી સૈનિક પરિવારને એક કરોડની સન્માન રાસી ચૂકવવાની માંગણી કરી હતી.
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો પડતર માંગણીઓ માટેઆંદોલન કરી રહ્યા હતા. ગતરોજ ગાંધીનગરમાં આંદોલન દરમિયાન પૂર્વ સૈનિક કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનમાં મૃત્યુ થયું હતું. જેને લઈ આજે બુધવારે આમ આદમી પાર્ટીએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી માજી સૈનિકોની માંગણી સ્વિકારવા તેમજ કાનજીભાઈના પરિવારને રૂા.1 કરોડની સન્માન રાસી ચુકવવામાં આવે તેવી માંગણી ઉપસ્થિત રહેલા જિલ્લા હોદ્દેદારો અને કાર્યકર્તાએ કરી હતી.