એન્જિનની પાછળના કેટલાક ડબ્બા ખડી પડતા ટ્રેનમાં ભરેલા
લોખંડના રોલ પાટા ઉપર વેરાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28: ગુજરાત તરફથી નિકળી મુંબઈ તરફ જઈ રહેલ માલગાડી પાલઘર સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે એન્જિન પાછળના કેટલાક ડબ્બા ખડી પડયા હતા તેથી રેલવે વહેવાર પ્રભાવિત થયો હતો. અલબત્ત ગુડ્ઝ ટ્રેનની સ્થાને પેસેન્જર ટ્રેન હોત તો મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા નકારી ના શકાય તેવી સ્થિતિ સર્જાવા પામી હતી.
ગુડ્ઝ ટ્રેન મુંબઈ તરફજતી હતી ત્યારે પાલઘર સ્ટેશને પાટા ઉપર કોઈ ટેકનિકલ ખામીને લઈ એન્જિનની પાછળના છ થી સાત ડબ્બા ખડી પડયા હતા. ગુડ્ઝ ટ્રેનમાં તોતિંગ સ્ટીલના રોલ ભરેલા હતા તે પાટા ઉપર ખડી પડયા હતા. તેમજ એક વિજપોલ પણ વળી ગયો હતો. પાવર સપ્લાય પણ અકસ્માતથી બંધ થઈ ગયો હતો. અકસ્માતને લઈને મુંબઈ તરફથી આવતો ટ્રેન વહેવાર પ્રભાવિત થયો હતો. સંભવિત ગુજરાત તરફ જતી ટ્રેનો બે થી ત્રણ કલાક લેટ ચાલશે. અકસ્માત બાદ રેલવેનો ટેકનિકલ સ્ટાફ ધસી આવ્યો હતો. સાથે સાથે સ્ટીલ રોલને ખસેડવાની જબરજસ્થ જહેમત આરંભાઈ હતી.