(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.19: ઉમરગામ પાલિકા વોર્ડ નંબર પાંચના સભ્ય અને બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી અંકુશભાઈ કામળી અને એમની ટીમ દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન, ડસ્ટબીન વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિ કરવા સાથે અનાથ આશ્રમમાં બાળકોને ભોજન કરાવી અને કેક કાપી આનંદ ઉલ્લાસથી ઉજવ્યો હતો. શ્રી અંકુશભાઈ કામળી અને એમની યુવા ટીમે ઉમરગામ દરિયા કિનારે સફાઈ કામગીરી હાથ ધરી હતી અને 150 જેટલા ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દરિયા કિનારે ફેલાતી ગંદકીને અટકાવવા છૂટક વિક્રેતા અને સહેલાણીઓને કચરો ડસ્ટબિનમાં નાખવા સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ કપિલેશ્વર તળાવનીફરતે પણ સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃતિમાં ઉમંગ સાથે જોડાયેલી શ્રી અંકુશભાઈ કામળીની યુવા ટીમ અનાથ આશ્રમમાં પહોંચી આશ્રય લઈ રહેલા અનાથ બાળકો સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની કેક કાપી આનંદ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ બાળકોને પ્રીતિ ભોજન કરાવવામાં આવ્યું હતું.