રખોલી સહિત અન્ય ગ્રામ પંચાયતોમાં આવેલ ચાલી માલિકોમાં પણ ફેલાયેલો ફફડાટ
દાનહની મોટાભાગની ચાલીઓમાં બુનિયાદી સુવિધાઓનો અભાવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની રખોલી ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્વચ્છતા નહીં જાળવનારી બે ચાલીઓના ઈલેક્ટ્રીક મીટરનું કનેક્શન કાપવાના લીધેલા નિર્ણયથી બીજા ચાલ માલિકોમાં પણ દાખલો બેઠો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માના દિશા-નિર્દેશ હેઠળ અને વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા તથા શ્રી મિતેશ પાઠકના માર્ગદર્શન અંતર્ગત રખોલી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં ઈલેક્ટ્રીક વિભાગના કર્મચારીઓ અને પંચાયતના સ્ટાફે રખોલી ખાડીપાડા ખાતે આવેલ નુરમોહમ્મદ અબુબકર વોરાની રૂમ ચાલી તથા રખોલી પટેલ પાડા ખાતે આવેલ કુલારામ ભીમારાજી ચૌધરીની ચાલ રૂમનું સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સબ રૂલ્સ 2022ની કલમ 5.9 મુજબ સ્વચ્છતા નહીં રાખતા અને પંચાયત દ્વારા વારંવાર જણાવવા છતાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને લોકોના આરોગ્યને હાની પહોંચે તેવું કૃત્ય કરવા બદલ ચાલી રૂમના ઈલેક્ટ્રીક મીટરનું કનેક્શન કાપવામાં આવ્યું હોવાનું રખોલી ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે. આ બંને કસૂરવારો દ્વારા પંચાયત દ્વારા મારવામાં આવેલ પેનલ્ટીની રકમ પણ પંચાયત કાર્યાલયમાં જમા નહીં કરાવતાં તેમની સામે હજુ ઠોસ પગલાં ભરાવાની શક્યતા પણ દેખાઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીમાં ખુબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાલીઓ તાણી બાંધવામાં આવેલ છે. જેમાં કોઈ પાયાની સુવિધા નહીં રહેવાથી ઠેરઠેર ગંદકીના ઢગલા કરી રહ્યા હોવાની ફરિયાદો પણ વારંવાર ઉઠતી રહે છે. રખોલી ગ્રામ પંચાયતે બે ચાલીઓ સામે બેસાડેલા દાખલાનું અનુકરણ અન્ય ગ્રામ પંચાયતો પણ કરે એવી લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.