August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

રાજ્ય સરકારના નિર્ણયને ભારે પ્રતિસાદઃ માતા, બહેન, દીકરી અને પત્નીના નામે મિલકત ખરીદીમાં ઉત્સાહ વધ્યો

મહિલાઓના નામે સૌથી વધુ દસ્તાવેજો વાપી તાલુકામાં ૧૨૯૧૩ જ્યારે સૌથી ઓછા કપરાડામાં ૬૨ નોંધાયા

(વિશેષ અહેવાલઃ જિજ્ઞેશ સોલંકી)
વલસાડ, તા.06: તા. ૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશ્વભરમાં ઉજવણી થાય છે. આ દિવસે મહિલાના હક્ક, અધિકાર અને સમાનતાની વાતો કરવામાં આવે છે પરંતુ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૪માં ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે તેમણે મહિલા સશક્તિકરણમાં ખાસ કરીને મહિલાઓના નામે મિલકતની ખરીદી થાય અને તેઓ સંપત્તિની માલિક બને તે માટે સૌથી મોટુ પગલું ભર્યું હતું. જેના કારણે વર્તમાન સમયમાં હવે એપાર્ટમેન્ટ કે ઘરની નેમ પ્લેટ પર પુરૂષોની સરખાણીએ હવે મહિલાઓના પણ નામો જોવા મળી રહ્યા છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો છેલ્લા પાંચ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા છે. જેમાં ૨૭૨૧૮ મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૮ કરોડ ૬૪ લાખની નોંધણી ફીની સંપૂર્ણ માફી આપવામાં આવી છે.
મહિલાઓ સામાજિક, આર્થિક, રાજ્કીય અને સાંસ્કૃતિક સહિત તમામ ક્ષેત્રે આગળ આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો અને કલ્યાણકારી યોજનાઓ મહિલાઓને લક્ષ્યમાં રાખી અમલી બનાવાઈ રહી છે. જેમાં વિશેષ કરીને મહિલાઓ મિલકતની માલિક બને તે માટે મહિલાના નામે મિલકતના દસ્તાવેજ વેળા રજિસ્ટ્રેશન ફી ૧ ટકા સંપૂર્ણપણે માફ કરાતા હવે પરિસ્થિત બદલાઈ છે. મહિલાઓની આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. પહેલા ઘરમાં નાના મોટા ઝઘડામાં પુરૂષ દ્વારા મહિલાઓને એવુ સાંભળવા મળતું કે, આ ઘર મારુ છે, તારૂ ઘર નથી. જેના કારણે અનેક કિસ્સામાં મહિલાઓને રઝળપાટનો વારો આવતો હતો. પરંતુ મહિલાને સન્માનજનક જીવન જીવવાની સાથે તેઓને મિલકતનો પણ અધિકાર મળે તે માટે રજિસ્ટ્રેશન ફીમાં માફીનું લેવાયેલુ આ પગલુ આજે અનેક ઘરોમાં મહિલાઓ માટે વરદાનરૂપ બન્યું છે. જેના કારણે મહિલાઓને સરંક્ષણ તો મળ્યું જ છે પરંતુ સાથે સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ અનેક મહિલાઓ આગળ આવી આર્થિક રીતે સધ્ધર થઈ રહી છે.
વલસાડ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થતી દસ્તાવેજની નોંધણીના આંકડા પર એક નજર કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓના નામે ૨૬૦૧૯ દસ્તાવેજો થયા જેમાં સૌથી વધુ દસ્તાવેજો વાપી તાલુકામાં ૧૨૯૧૩ નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજો કપરાડા તાલુકામાં ૬૨ નોંધાયા છે. આ સિવાય વલસાડમાં ૬૫૨૯, ઉમરગામમાં ૩૮૫૧, પારડીમાં ૨૧૮૯ અને ધરમપુરમાં ૪૭૫ દસ્તાવેજ મહિલાઓના નામે થયા છે. સરકાર દ્વારા માફી આપવામાં આવેલી નોંધણી ફીની વાત કરીએ તો સૌથી વધુ વાપી તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૧૪,૯૪,૭૪,૨૯૪ની માફી આપવામાં આવી છે. જ્યારે સૌથી ઓછા દસ્તાવેજ કપરાડા તાલુકામાં નોંધાતા પાંચ વર્ષમાં રૂ. ૨,૩૬,૪૯૨ની માફી મહિલાઓને મળી છે.
રાજ્ય સરકારશ્રીના આ સંવેદનશીલ નિર્ણયના કારણે વલસાડ જિલ્લામાં માતા, બહેન, દીકરી અને પત્નીના નામે મિલકતોની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાંચ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૮માં જિલ્લામાં ૪૭૨૩ દસ્તાવેજો મહિલાના નામે નોંધાયા હતા તે સંખ્યા હવે વધીને વર્ષ ૨૦૨૨માં ૬૩૪૭ થઈ છે. જેના પરથી સ્પષ્ટ જણાાય આવે છે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ સ્કીમનો લોકો દિવસેને દિવસે વધુ પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે.

પુરૂષ અને મહિલાના સંયુક્ત નામે મિલકત તબદીલ થતી હોય તો માફીનો લાભ મળતો નથી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ફક્ત મહિલાના નામે તબદીલ થતી મિલકતોના દસ્તાવેજોમાં નોંધણી માટે ભરવાની થતી નોંધણી ફીમાંથી સંપૂર્ણ માફી આપવા માટે તા. ૧૧ જૂન ૨૦૦૪ના રોજ જાહેરનામુ બહાર પાડ્યું હતું. જે મુજબ પુખ્ત ઉંમર ધરાવતી હોય તેવી પરિણીત કે અપરિણીત, વિધવા અથવા ત્યક્તા મહિલાઓની તરફેણમાં થતા દસ્તાવેજોમાં નોંધણી ફીની માફીનો લાભ મળે છે. પુરૂષ અને મહિલાના સંયુક્ત નામે મિલકત તબદીલ થતી હોય તો તેવા કેસમાં આ લાભ મળતો નથી.

Related posts

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

યુઆઇએ દ્વારા નિર્માણાધિન હોસ્પિટલ પ્રોજેક્ટ સ્થળની મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

ધરમપુરના માંકડબનમાં પ્રથમ સમૂહલગ્નોત્‍સવમાં 30 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

Leave a Comment