યુવાનોના ભવિષ્યની સલામતિ અને સુરક્ષા ભાજપ જ કરી શકે છેઃ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.6 એપ્રિલથી 14મી એપ્રિલ સુધી દેશભરમાં ‘સામાજિક ન્યાય સપ્તાહ’ મનાવવા આપેલા નિર્દેશ અંતર્ગત આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પ્રદેશ મહામંત્રી શ્રી મહેશ ગાવિત, સેલવાસ જિલ્લા યુવા મોર્ચા પ્રમુખ શ્રી વિશ્વરાજસિંહ દોડિયા, સેલવાસ ગ્રામીણ જિલ્લા અધ્યક્ષ શ્રી રાજેશ વરઠા, પ્રદેશ યુવા મોર્ચાના મહામંત્રી શ્રી નિપૂણ પંડયા સહિત યુવા મોર્ચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાનહના અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાના અધ્યક્ષ શ્રી વિશાલ ઉર્ફે અપ્પુ પટેલના નેતૃત્વમાં સામરવરણી મંડળ ખાતે આયોજીત યુવા સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, ભારત હાલમાં વિશ્વનો સૌથી મોટો યુવા દેશછે. આપણી વસતીમાં 60 ટકા યુવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનોના ભવિષ્યની સલામતિ અને સુરક્ષા ફક્ત ભાજપ જ કરી શકે છે. કારણ કે, આજે દેશની સીમાઓ ભાજપના કારણે જ સુરક્ષિત થઈ છે. રશિયા અને યુક્રેન સાથેના યુદ્ધ ક્ષેત્રમાં પણ ભારતના તિરંગાની છત્રછાયામાં ભારત અને વિશ્વના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા સફળ રહ્યા છે. ભાજપ પોતાના દરેક કાર્યક્રમના સંકલ્પમાં સૌથી વધુ પ્રાધાન્ય યુવાનોને આપે છે. સ્ટાર્ટઅપ, મુદ્રા બેંક લોન, આત્મનિર્ભર ભારત, અગ્નિવીર જેવી યોજનાઓમાં યુવાનોને સંપૂર્ણ તક મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો માટે બનાવવામાં આવી રહેલ નવા ભારતના સંકલ્પને સશક્ત બનાવવા યુવાનોની સક્રિય ભાગીદારીની કામના પણ તેમણે કરી હતી.
આ પ્રસંગે મંચ ઉપરથી યુવાનોએ પણ પોતાના વિચારો રજૂ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર પોતાનો વિશ્વાસ પ્રગટ કરી અખંડ ભારતના સંકલ્પને સાકાર કરવા અને ભારતને વિશ્વ ગુરૂ બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીને પોતાના તન મન અને ધનથી સહયોગ આપવા યુવાનોએ પ્રતિજ્ઞા પણ લીધી હતી.