કેન્દ્ર શાસિત પ્રદેશો દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી સમતોલ અને સર્વગ્રાહી વિકાસના આગ્રહી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રવાસ કરી વિકાસ કામોનું કરતા નિરંતર મૂલ્યાંકન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.07 : કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી સમતોલ અને સર્વગ્રાહી વિકાસના આગ્રહી સંઘપ્રદેશોના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ નિરંતર પ્રવાસ કરી વિકાસ કામોનું મૂલ્યાંકન કરતા રહે છે. જે કડીમાં આજે દમણથી 700 કિલોમીટર દૂર આવેલા દીવ જિલ્લામાં સવારથી જ વિવિધ સ્થળોની મુલાકાતનો દૌર શરૂ કરી દરેક કામનું ઝીણવટથી નિરીક્ષણ પણ શરૂ કર્યું છે અને જ્યાં કચાશ જોવા મળી ત્યાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સીધી સૂચના પણ આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દીવ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાના સ્થળો જેવા કે વડલી માતા સ્કૂલ, સરદાર વલ્લભભાઈ પટેલ પંચાયત સાઈટ, વણાંકબારા, મહારાણા પ્રતાપ પંચાયત ઘર સાઈટ, ખારવાવાડા, મહારાણી લક્ષ્મીબાઈ પંચાયત વણાંકબારા, વણાંકબારા પંચાયત ઘર, વાડી શેરી જેટી,આંગણવાડીનું કાર્ય, જલારામ સોસાયટી તથા વણાંકબારા બસ સ્ટેન્ડની પાસે જીપીએસ-1 અને જીપીએસ-2, જલંધર ઘાટ અને સમર હાઉસ, એનેક્ષીની સામે જંક્શન માર્કિંગ, એનેક્ષી સરકિટ હાઉસ, ફોર્ટ પ્લાઝા, સીસીટીવી પોલ વગેરેનો સમાવેશ થતો હતો.
ત્યારબાદ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાયડા ગુફા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, બંદર ચોક જેટીની પાસે પ્રોમીનાર, સેવા સદન અને ફોર્ટ સરકિટ હાઉસ વગેરેનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શાળાના બાળકો અને આંગણવાડીની બહેનો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. નિરીક્ષણ કાર્ય દરમિયાન સ્થળ ઉપર ઉપસ્થિત રહેલા સરપંચો અને જિલ્લા પંચાયત સભ્યો જોડે પણ વાતચીત કરી હતી.
નિરીક્ષણ દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દરેક પરિયોજનાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તમામ કામ સંપૂર્ણ રીતે ગુણવત્તા સાથે અસરકારક રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ તાકિદ કરી હતી. પ્રશાસકશ્રીની સાથે સંઘપ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને દીવ જિલ્લાના જન પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.