(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સેલવાસ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી ગરીબ આદિવાસી મહિલા સરસ્વતી ભોયા ઉપર બસ સંચાલકો દ્વારા લગાવાયેલા તથાકથિત આરોપોના કારણે આઘાત લાગતા તેણી આત્મહત્યા કરી લીધી હતી. મૃતક સરસ્વતી ભોયાના પરિવારને પ્રશાસન દ્વારા ન્યાય આપી જે પણ અધિકારી આ પ્રકરણમાં જવાબદાર હોય એમના ઉપર એટ્રોસીટી એક્ટ, આત્મહત્યા માટે મજબુર કરવું, આદિવાસી અત્યાચાર કાનૂન જેવી કલમો લગાવી જલ્દીથી ન્યાય અપાવી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા બાબતે સેલવાસ નગરપાલિકા સભ્ય શ્રી સુમનભાઈપટેલે એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે. શ્રી સુમનભાઈ પટેલે એસ.પી.શ્રીને કરેલી અરજીમાં જણાવ્યા અનુસાર સરસ્વતી ભોયા જે સેલવાસ સ્માર્ટસીટી અંતર્ગત ચાલતી બસમાં મહિલા કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા. જેમના પર સેલવાસ સ્માર્ટસીટીના અધિકારી દ્વારા એમના પિતા હાજરી ખુબ જ ખરાબ અને અપશબ્દો બોલી બેઈજ્જતી કરવામાં આવી હતી. અધિકારી દ્વારા ‘તુ ચોર છે તારો બાપ પણ ચોર છે પૈસા ખાઈ જાય છે તુ સાચુ બોલતી નથી ખોટું બોલે છે, અમને ફસાવે છે.’ જેવા આરોપો લગાવી અપમાનિત કરવામાં આવ્યા હતા. આવા શબ્દો સાંભળીને દીકરી એના પિતા સાથે લાગણીશીલ બની હતી.
કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે અરજીમાં જણાવ્યું છે કે, આપ સાહેબને જાહેર જનતાને તેમજ દરેક સમાજને ખબર છે કે અહીંની સ્થાનિક આદિવાસી પ્રજા ખુબ જ ભોળી શરમાળ અને લાગણીશીલ છે. તેઓ ખોટી ઝંઝટમાં પડતા નથી, બને ત્યાં સુધી બોલવામાં તેમજ વ્યવહારમાં પણ ખુબ જ કાબુ રાખે છે અને તેઓ હંમેશા સાચું બોલવામાં માને છે. જેમાં પોતાની અને સામેવાળાની ઈજ્જત જળવાઈ રહે એવો વ્યવહાર વર્તન કરે છે અને કરવામાં માને છે અને જેના કારણે જ આજે પણ આદિવાસી અને આદિવાસીઓની સંસ્કૃતિ જળવાઈ રહેલી છે.
શ્રી સુમનભાઈ પટેલે જણાવ્યું છે કે, સેલવાસ સ્માર્ટસીટીના અધિકારી દ્વારાએક આદિવાસી મહિલા સાથે ખુબ જ ખરાબ વ્યવહાર વર્તન કરવામાં આવેલ જે ખુબ જ ખરાબ અને નિંદનીય છે અને સમસ્ત દાનહની પ્રજા આવા દુર્વ્યવહાર કરનાર અધિકારીને ધિક્કારે છે અને વખોડી કાઢે છે. આવા દુર્વ્યવહારના કારણે આપણા પ્રદેશની એક દીકરી સહન ન કરી શકી અને મગજ ઉપર ખુબ ભાર લઈ લીધો અને આત્મહત્યા કરવા મજબુર થવું પડયુ જે સમગ્ર સંઘપ્રદેશ માટે ખુબ જ નિંદનીય બાબત છે. એક અધિકારીના ખરાબ વ્યવહાર કરવાના લીધે પ્રદેશની દીકરીએ મજબૂરીમાં આત્મહત્યા કરવી પડી જેથી જેણે મજબુર કરી હોય તે અધિકારીની સ્થાનિક પોલીસ પ્રશાસન તાત્કાલિક ધોરણે તપાસ કરી જે પણ અધિકારી આ પ્રકરણમા સામેલ હોય એમના ઉપર એટ્રોસીટી એક્ટ, આત્મહત્યા માટે મજબુર કરવું, આદિવાસી અત્યાચાર કાનૂન જેવી કલમ લગાવી જલ્દીથી એફ.આઈ.આર. નોંધી મરણ જનાર દીકરીને એમના પરિવારને તેમજ પ્રદેશના હિતોને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજને જલ્દીથી ન્યાય મળે.