(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : ગઈકાલે સેલવાસ સ્માર્ટ સીટી બસ સેવાની એક મહિલા કંડક્ટર ઉપર ટિકીટના પૈસા ચોરવાના તથાકથિત લગાવવામાં આવેલ આરોપ અંતર્ગત તેણીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના મોરખલ ગામે રહેતી યુવતી સરસ્વતીબેન ભોયા જે સ્માર્ટ સીટી અંતર્ગત એ.સી. બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતી. તેમના પર સ્માર્ટસીટીના અધિકારી દ્વારા પૈસા ચોરીનો આરોપ લગાવતા આઘાત લાગતા પોતાના ઘરે જઈ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટના સંદર્ભે મૃતક સરસ્વતીબેન ભોયાના પિતા શ્રી સોનકભાઈ કાકડ ભોયાએ તેમની દિકરીના ન્યાય માટે સેલવાસ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર મારી દીકરી સરસ્વતીબેન જેઓ ગત 6ઠ્ઠી મે,2023ના રોજ આત્મહત્યા કરેલ જે માટે રવિરાજ ઠાકુરનાઓ જવાબદાર હોય એની વિરુદ્ધ ગુનો દાખલ કરવા જણાવાયું છે.
શ્રી સોનકભાઈના જણાવ્યા અનુસાર તેમના ચાર દીકરા છે અને એક દીકરી સરસ્વતીબેન સોનક ભોયા જે સેલવાસખાતે સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતી ઈલેક્ટ્રીક બસમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી કંડક્ટર તરીકેની ફરજ બજાવતી હતી. ગત 25મી એપ્રિલ, 2023ના રોજ કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર કે કોઈપણ જાણ કર્યા વગર મારી દીકરીને નોકરી ઉપર રાખવા ના પાડી હતી. શ્રી સોનકભાઈના જણાવ્યા મુજબ 5મી મે,2023ના રોજ હું અને મારી દીકરી જ્યાં નોકરી કરતી હતી ત્યાં તેઓનું એક વોટ્સએપ ગ્રુપ છે જેમાંથી સરસ્વતીબેનનો મોબાઈલ નંબર કાઢી નાખતા અમે સેલવાસ ઓફિસમાં જઈને વાત કરી અને મારી કોઈ પણ ભૂલ નથી. જેથી 5મી મે, 2023ના શુક્રવારે સેલવાસ ઓફિસ પર આવેલ જ્યાં મારી દીકરીને અંદર બોલાવતા અંદર ગઈ હતી. જે વખતે ઓફિસની અંદર હાજર સાહેબ રવિરાજ ઠાકોર મારી દીકરીને જોર જોરથી ગાળો આપવા લાગેલ અને કહેતો હતો કે ‘તું ચોર છે અને તારો બાપ પણ ચોર છે’. એવી રીતે જાત પરથી અને મા-બાપ પરથી ગાળો આપવા લાગેલ, ત્યારબાદ મારી દીકરી બહાર આવી મારા ખભા પર માથું મુકી રડતા રડતાં જણાવેલ કે પપ્પા મેં કોઈ પણ ચોરી કરેલ નથી, છતાં પણ મને આ લોકો ચોર કેમ કહે છે અને જોરજોરથી રડવા લાગેલ મારી પુત્રીને સાંત્વના આપતા જણાવેલ કે ભલે નોકરી ન રહે તો શું થયું, આપણે કોઈ ધંધો કરીને જીવીશું. ત્યારબાદ મારી દીકરીને ઘરે લઈને આવ્યોહતો. જ્યારે 6ઠ્ઠી મેના રોજ સરસ્વતીબેનના પિતા કોઈક કામ અર્થે બહાર ગયા હતા તે દરમિયાન બપોરે બે વાગ્યાના અરસામાં ઘરેથી ફોન આવેલ કે સરસ્વતીએ આત્મહત્યા કરી છે. મારી પુત્રીને 108માં સેલવાસ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે સરસ્વતીબેનનું મોત થયેલ હોવાનું જણાવ્યું હતું.
તેથી રવિરાજ ઠાકોર દ્વારા જે મારી દીકરીને મારી સામે તથા ઓફિસના બીજા માણસો સામે ‘તું ચોર છે અને તારો બાપ પણ ચોર છે’ એ રીતે જાત પરથી અને મા-બાપ પરથી ગાળો આપવાના કારણે મારી દીકરીને ખુબ જ મોટો આઘાત લાગતા જેના કારણે મારી દીકરી માનસિક અને શારીરિક હતાશ થઈ હતી અને હવે ગામમાં અને સમાજમાં મને લોકો ચોર કહેશે, જેથી સરસ્વતીબેન ભોયાએ આત્મહત્યા કરેલ છે જે માટે રવિરાજ ઠાકોર જ જવાબદાર હોય એની વિરુદ્ધ એટ્રોસીટી અને આઈપીસી હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવા સરસ્વતીબેનના પિતા શ્રી સોનકભાઈએ રજૂઆત કરી છે.
સેલવાસ સ્માર્ટ સીટી બસની પીડિતા મૃતક સરસ્વતીબેન ભોયાને ન્યાય અપાવવા ધારાશાષાી સની ભીમરાએ શરૂ કરેલી કવાયત
પોલીસ વિભાગ દ્વારા જો જવાબદાર અધિકારી સામે કોઈ પગલાં નહીં ભરાયા તો અદાલતી લડાઈના મંડાણ કરવા યુવા નેતા સની ભીમરાએ કરેલો હુંકાર
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : ગઈકાલે સેલવાસ સ્માર્ટ સીટી બસની એક મહિલા કંડક્ટર ઉપર ટિકીટના પૈસા ચોરવાના લગાવેલા તથાકથિત આરોપ બાદ મહિલા કંડક્ટર સરસ્વતીબેન ભોયાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટનાના વિરોધમાં સેલવાસ સ્માર્ટસીટી બસના કર્મચારીઓએ મૃતક સરસ્વતીબેન ભોયાને ન્યાય મળે તે માટે હડતાલ પાડી હતી. જે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. મૃતક સરસ્વતીબેન ભોયાને ન્યાય અપાવવા માટે જ્યાં સુધી કોઈપણ અધિકારી આગળ અહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને સાથ આપવા ખાનવેલના ધારાશાષાી શ્રી સની ભીમરા અને એમની ટીમ પહોંચી સ્વ. સરસ્વતી ભોયાને શ્રદ્ધાંજલિ આપી હતી. ધારાશાષાી શ્રી સની ભીમરા અને તેમની ટીમ દ્વારા સ્વ. સરસ્વતીબેન ભોયાના પરિવારને ન્યાય અપાવવા માટે જો પોલીસ વિભાગ દ્વારા જવાબદાર અધિકારી વિરુદ્ધ એફ.આઈ.આર. નહીં નોંધવામાં આવશે તો જિલ્લા કોર્ટ દ્વારા કાર્યવાહી કરાવવામાં આવશે અને જો ત્યાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી બતાવી હતી.