(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ,તા.16: નર્સિંગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ, ધરમપુર ખાતે ૧૫ મે રોજ રોજ ઘરેલું હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં સેમિનારના મુખ્ય અતિથિ ગણેશભાઈ બિરારી, સભ્યશ્રી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા મહિલાઓ વિશે કાયદાઓની માહિતી આપી મહિલાઓ પર થતા અત્યાચારો રોકવા માટે સદર કાયદા અંતર્ગત ફરિયાદ કરવા સાથેસાથે સરકારી યોજનાઓનો લાભ લેવા પણ જણાવ્યું હતું. સખી વન સ્ટેપ સેન્ટર વલસાડના કેન્દ્ર સંચાલક ગીરીબાળાબેન અને નર્સિંગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ, ધરમપુરના આચાર્યા હિનલ પટેલ દ્વારા સખી વન સ્ટેપ સેન્ટરની અને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓમાં રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે, વલસાડ મહિલા અને બાળ અધિકારી શ્વેતાબેન દેસાઈ દ્વારા કાયદાની તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની કામગીરી અંગે, જયદિપસિંહ સોલંકી એડવોકેટ, ધરમપુર દ્વારા ભારતમાં મહિલાલક્ષી કાયદાઓ વિશે, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સેલર ગાયત્રીબેન રાઠોડે ૧૮૧ નંબર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સેમિનારમાં નર્સિંગ કોલેજ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર તેમજ મહિલા લક્ષી કેન્દ્ર ધરમપુર, અન્ય મહિલા સભ્યો, મહિલા કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ મહિલા વિંગની અલગ અલગ યોજનાઓના કર્મચારીઓએ હાજરી આપી હતી.