ગૌરક્ષકોને પ્રાણી ફાઉન્ડેશનના નેહા પટેલએ બાતમી આપી હતી તેથી પોલીસ સાથે ડુંગરી હાઈવે ઉપર વોચ ગોઠવેલી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.11: વલસાડના ડુંગરી રોલા નેશનલ હાઈવે ઉપર પોલીસે અને ગૌરક્ષકોએ હાથ ધરેલી સંયુક્ત ઓપરેશન ગોઠવી દિલ્હીથી આવી રહેલ અને મુંબઈ જઈ રહેલા શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ભરેલા બે કન્ટેનર ઝડપી પાડયા હતા.
પ્રાણી ફાઉન્ડેશન નેહા પટેલને હિંદુ સ્વરાજ સેના દ્વારા મળેલી બાતમી આધારે વલસાડ ગૌરક્ષકોને જાણ કરાઈ હતી. નેહા પટેલના જણાવ્યા અનુસાર અલગ અલગ જિલ્લામાં વોચ ગોઠવી હતી. અંતે બે કન્ટેનર ડુંગરી હાઈવેથી ઝડપાયા હતા. દિલ્હીથી કન્ટેનર નં.એચઆર 55 ડબલ્યુ 8876 અને કન્ટેનર નં.એપી 22 વાય 2789 કથિત ગૌમાંશનો જથ્થો ભરી દિલ્હીથી નિકળ્યા છે તેવી બાતમી નેહા પટેલને મળ્યા બાદ હાઈવે ઉપર ગૌરક્ષકોને એલર્ટ કરાયા હતા તે મુજબ એસ.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી. બાતમીવાળા કન્ટેનર આવતા ગૌરક્ષકો અને પોલીસે અટકાવી ડુંગરી પોલીસ સ્ટેશનમાં લવાયેલા જ્યાં તપાસમાં શંકાસ્પદ માંસનો જથ્થો ભરેલા બોક્ષ અને બન્ને કન્ટેનરમાંથી મળી આવ્યા હતા. જેના સેમ્પલ એફ.એસ.એલ.ને મોકલી આપી વધુ તપાસ હાથ ધરાઈ હતી. બન્ને કન્ટેનર ચાલકોની પોલીસે અટકાયત કરી હતી.