ઘરેથી નાસિક જવા માટે પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર નિકળ્યાહતા :
પૂત્ર ડૂબતા ડૂબતા બચી ગયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: કપરાડાના મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ આસલોણા ગામમાંથી પિતા-પૂત્ર અને પડોશીનો પૂત્ર એમ ત્રણ જણા ઘરેથી નાસિક જવા નિકળ્યા હતા. ગામમાં વહેતી દમણગંગા નદીનો કોઝવે ત્રણેય પસાર કરતા હતા ત્યારે પિતા અને પડોશીનો પૂત્ર પાણીમાં તણાઈ ગયા હતા. પૂત્ર માંડ માંડ બચી ગયો હતો. બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ જવા પામી હતી.
કરૂણાંતિકાની મળેલી પ્રાપ્ત માહિતી મુજબ કપરાડાના આસલોણા ગામેથી પિતા-પુત્ર અમૃતભાઈ લક્ષ્મણભાઈ ધનગર (ઉ.વ.પ0), જગદીશ અમૃતભાઈ ધનગર (ઉ.વ.11) અને પડોશી પુત્ર અમુલભાઈ આબાદાશ ચિખલે (ઉ.વ.11) ત્રણેય જણા ઘરેથી વહેલી સવારે નાસિક જવા માટે નિકળ્યા હતા ત્યારે ગામમાં પસાર થતી દમણગંગા નદીના કોઝવે ઉપરથી પસાર થતા હતા ત્યારે અચાનક પાણી વધી જતા ત્રણેય જણા તણાયા હતા. જો કે પૂત્ર જેમ તેમ કરી બચી ગયો હતો પરંતુ કમનસીબ ઘટનામાં પિતા અને પડોશીનો પૂત્ર તણાઈ ગયા હતા. બનાવ બાદ ગામજનો દોડી આવ્યા હતા અને ઘટનાનીજાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. 24 કલાક બાદ સગીર બાળક અમૂલભાઈ આબાદાશ ચિખલેની વહેલી સવારે બોડી મળી આવી છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હજુ એક વ્યક્તિ અમૃત લક્ષ્મણભાઈ ધનગરને શોધવા માટે ફાયરબ્રિગેડ ધરમપુર અને ગ્રામજનો પ્રયત્નો કરી રહ્યા છે. ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.