બલીઠા વીજ કંપનીના આસિસ્ટન લાઈનમેન સહિત ચાર સામે ફરિયાદ : ત્રણની ધરપકડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારમાંથીપેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ધરમપુર બરૂમાળ ચાર રસ્તા ઉપર એક ખાનગી ટેમ્પો, ત્રણ ટ્રાન્સફોર્મર ભરીને પસાર થયો હતો. વીજ કંપનીની ટીમે ટેમ્પો ચાલક પાસે ટ્રાન્સફોર્મર (ડી.પી.) અંગેના બિલ કે પુરાવા માંગ્યા હતા. જે રજૂ કરી શકેલ નહીં તેથી ટેમ્પોને વાપી બલીઠા વીજ કંપનીમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પૂછપરછ કરતા ચાલકે જણાવ્યું હતું કે, આસિસ્ટન વીજ લાઈન મેને ટ્રાન્સફોર્મર ભરાઈ આપ્યા હતા.
બલીઠા વિજ કંપનીના સ્ટોરમાંથી આસિસ્ટન લાઈનમેન અને અન્ય ત્રણ મળી ચાર ઈસમોએ ત્રણ ટ્રાન્સફોર્મર ચોરી કરીને ટેમ્પોમાં રવાના કર્યા હતા. પરંતુ આ ટ્રાન્સફોર્મર સગે વગે થાય તે પહેલા ધરમપુર, બરૂમાળ ચોકડી ઉપર વીજ કંપનીની ચેકિંગ ટીમના હાથે ટેમ્પો ઝડપાઈ ગયો હતો. ટેમ્પોને બલીઠા લાવવામાં આવ્યો હતો. ટેમ્પો તથા રૂા.1.56 લાખના ટ્રાન્સફોર્મર મુદ્દામાલ તરીકે કબજે કરાઈને વાપી ટાઈન પો.સ્ટે.માં ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તે પૈકી લાઈનમેન અને અન્ય બે મળી ત્રણની ધરપકડ કરાઈ હતી. ચોથા આરોપીની પોલીસે તપાસ હાથ ધરી હતી.