કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ માટે આશરે રૂા.2448.13 કરોડના મૂલ્યની 53 વિવિધ યોજનાઓનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે કરેલું અને ઉદ્ઘાટન અને શિલાન્યાસ
-
નરેન્દ્રભાઈ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાનો અર્થ ‘વિકસિત ભારતની ગેરંટી’ છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
-
જનતાએ નક્કી કરવાનું છે કે ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવનાર નરેન્દ્રભાઈ મોદીનું શાસન જોઈએ કે 12 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ કરનારાઓનું શાસન
નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ, અમે 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું અને ભારત માતાને વિશ્વ નેતા બનાવીશું: અમિતભાઈ શાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે દિવસની મુલાકાતે છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાંદાદરા નગર હવેલીના સેલવાસ નજીક સાયલી ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે આશરે રૂા.2448.13 કરોડના મૂલ્યની 53 વિવિધ યોજનાઓનું રિમોટના માધ્યમથી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને કિટ આપીને લાભાન્વિત કર્યા હતા. પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગૃહમંત્રીશ્રીને તારપુ ભેટ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દાનહ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહને આદિવાસીઓનું મુખ્ય વાદ્ય એવું તારપુ તથા ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની ભેટ આપીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહમંત્રીશ્રીએ લાભાર્થી સંમેલનને સંબોધિત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનની શરૂઆત વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વીર સાવરકરે પોતાનું સંપૂર્ણ જીવનભારત દેશને આઝાદ કરાવવા અને પછી દેશને સાચો રસ્તો બતાવવા માટે વ્યતિત કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, વીર સાવરકર જેવા મહાપુરુષો હજારો વર્ષમાં એકવાર જન્મે છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આજે દમણ જિલ્લામાં રૂા.191 કરોડના ખર્ચે 10, દીવ જિલ્લામાં રૂા. 340 કરોડના ખર્ચે 10 અને દાદરા નગર હવેલી જિલ્લામાં રૂા. 1916 કરોડના ખર્ચે 33 પ્રોજેક્ટનું રિમોટના માધ્યમથી ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં એટલી બધી વિકાસ યોજનાઓ શરૂ કરી છે કે જો તેની ગણતરી કરવામાં આવે તો ઘણી લાંબી યાદી બની જશે.
શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં દેશના લગભગ 100 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે અને નવી સરકારને ચૂંટશે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચન. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો દલિતો, આદિવાસીઓ, ગરીબો અને પછાત લોકોને જીવનની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનું કામ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમે દેશની જનતાને વચન આપ્યું હતું કેઅમે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવીશું અને પ્રધાનમંત્રી શ્રી મોદીએ 22 જાન્યુઆરીએ ત્યાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું અને 5 ઓગસ્ટ, 2019ના રોજ કાશ્મીરને કલમ 370માંથી મુક્ત કરાવ્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીએ દેશમાંથી નક્સલવાદ, આતંકવાદ અને ઉગ્રવાદને લુપ્ત થવાના આરે લાવવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી મોદીએ સેનાના જવાનો માટે વન રેન્ક, વન પેન્શનનું વચન પણ પૂરું કર્યું હોવાનું કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંસદ અને વિધાનસભાઓમાં માતૃશક્તિ માટે 33 ટકા અનામત આપવાનું કામ તેમજ ટ્રિપલ તલાક નાબૂદ કરવાની સાથે દેશમાં બીજા ઘણા ક્રાંતિકારી કાર્યો કર્યા છે.
શ્રી અમિતાઈ શાહે જણાવ્યું હતું કે, આજે દેશ ચૂંટણીના ઉંબરે ઉભો છે અને દેશની જનતા પાસે બે વિકલ્પ છે, એક તરફ દેશભક્તિથી રંગાયેલા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને બીજી તરફ 7 વંશવાદી પક્ષોનું ગઠબંધન. તેમણે જણાવ્યું હતું કે, દેશની જનતાએ નક્કી કરવાનું છે કે જેમણે ભારતને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવ્યું એવા શ્રી મોદીનું શાસન ઈચ્છે છે કે પછી 12 લાખ કરોડ રૂપિયાનાકૌભાંડ કરનારાઓનું શાસન. શ્રી શાહે જણાવ્યું હતું કે, માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ ભારતના લોકોનું ભલું કરી શકે છે, નહીં કે આ ભ્રષ્ટાચારીઓ, પરિવારવાદીઓ અને 2, 3 અને 4 લોકોનું જૂથ છે જે બીજા કોઈને તક આપતા નથી તેઓ. તેમણે જણાવ્યું હતું ગરીબ માતાના પેટે જન્મેલા શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવો પુત્ર આજે સમગ્ર વિશ્વમાં ભારત માતાને સન્માન આપી રહ્યો છે અને આ જ લોકશાહીની સુંદરતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના રૂપમાં એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી અને ઓ.બી.સી. કમિશનને બંધારણીય દરજ્જો આપીને પછાત સમુદાયનું સન્માન કર્યું. શ્રી મોદીએ ડૉ. બાબા સાહેબનું પંચતીર્થ બનાવીને દેશના દલિતોને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. શ્રી શાહે કહ્યું કે આવનારો દાયકો ભારતનો છે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી મોદીએ 2030 સુધીમાં 2 ટ્રિલિયન ડોલરની નિકાસનું લક્ષ્ય રાખ્યું છે, 2035 સુધીમાં અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવું, 2036માં અમે ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરીશું અને 2040માં એક ભારતીયનેચંદ્ર પર ત્રિરંગા સાથે મોકલીને દેશને ગૌરવ અપાવીશું. શ્રી શાહે કહ્યું હતું કે, શ્રી મોદીના વિઝન મુજબ અમે 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું અને ભારત માતાને વિશ્વ ગુરૂ બનાવીશું.
શ્રી અમિતભાઈ શાહે કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંગ્રેજોએ બનાવેલા ત્રણેય ફોજદારી કાયદાઓને બદલવાનું કામ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં માત્ર 5 વર્ષમાં વિકાસના કામો કર્યા છે જે અગાઉની સરકારો 70 વર્ષમાં પણ કરી શકી નથી.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી દામજીભાઈ કુરાડા, કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, પૂર્વ ન.પા. પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ સહિત જિ.પં. સભ્યો, સરપંચો, કાઉન્સિલરો અને ભાજપના વિવિધ પદાધિકારીઓ, લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં આમ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.