(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : આજે કવરત્તી ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભારતના ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના 67મા સ્થાપના દિવસની આન, બાન, શાન અને આનંદ-ઉત્સાહ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાપના 1લી નવેમ્બર, 1956ના રોજ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સલાહકાર શ્રી સંદિપ કુમાર, કલેક્ટર શ્રી અર્જુન મોહન, એસ.પી. શ્રી સમીર શર્મા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ સીઆરપીએફ, પોલીસ, ભારતીય રિઝર્વ બટાલિયન, એનસીસી, સ્કાઉટ ગાઈડ, એન.એસ.એસ. જેવા વિવિધ સુરક્ષા દળો દ્વારા પરેડ યોજવામાં આવી હતી જેને પ્રશાસકશ્રીએ સલામી આપી હતી.
ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના67મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પ્રશાસન દ્વારા વહીવટી તંત્ર હેઠળના તમામ ટાપુઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ગલીઓ, બંદરોને રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવી હતી.
આજના ઉજવણી સમારંભમાં કેરળ, કર્ણાટક, તેલંગણા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની સાથે લક્ષદ્વીપની સાંસ્કૃતિક વિરાસત ધરાવતી કૃતિઓને ગાંધી સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રશાસનના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.