જિલ્લાના તમામ શિવાલયો શણગારાયા: હરહર ભોલેના નાદ થી શિવ મંદિરો ગુંજશે: દુલસાડમાં 11 લાખ રૂદ્રાક્ષનું 15 ફૂટ ઊંચુ શિવલીંગની સ્થાપના
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લામાં તા.08 માર્ચને શુક્રવાર આવતીકાલે તમામ શિવ મંદિરોમાં મહા શિવરાત્રીની ઉજવણી થશે. લવાછા, સોમનાથ, કુંતા, તડકેશ્વર જેવા મોટા શિવાલયોમાં શિવરાત્રીમાં હજારો ભાવિકો ભોલેબાબાના દર્શન કરવા ઉમટી પડશે. શિવરાત્રીનો સૌથી વધુ ઉત્સાહ ઉમંગ વલસાડના શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરમાં જોવા મળશે. નિજ મંદિરેથી શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાન શિવ નગરચર્યાએ નિકળશે.
જિલ્લાના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. વલસાડ તિથલ રોડ સ્થિત શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નિકળશે. સાંજે 6 કલાકે નિકળનાર આ શોભાયાત્રામાં શિવ બિરાજમાન થઈને નગરચર્યામાં નિકળશે. શોભાયાત્રાના સરકીટ હાઉસ ચાર રસ્તા થઈને મંદિરે પરત ફરશે. બજરંગ યુવક મંડળ ભગવાન શિવના લાઈવ દર્શન કરાવશે તેમજ રાત્રે ભવ્ય આતશબાજી યોજાશે. સર્કિટ હાઉસ ચાર રસ્તા ઉપર એલ.ઈ.ડી. સ્ક્રિન લગાવાશે. શિવરાત્રીનીઉજવણી જિલ્લાના તમામ શિવાલયોમાં થશે. તેમાં સૌથુ વધુ આકર્ષણ ધરમપુરના વાંકલ, દુલસાડમાં 11 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચુ શિવલીંગનું નિર્માણ કથાકાર બટુકભાઈ વ્યાસ દ્વારા કરાયું છે. છેલ્લા ચાર વર્ષથી લિમ્કા વર્લ્ડ રેકોર્ડમાં પણ શિવલીંગને સ્થાન મળ્યું છે. દુલસાડ-વાંકલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થઈ ગયો છે. શિવરાત્રીમાં વિવિધ મંદિરે મેળાઓ પણ યોજાશે.