(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ તાલુકાના પારનેરા ગામ ખાતે આવેલી પારનેરા સાર્વજનિક માધ્યમિક શાળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના તાલીમ પામેલા અને ઓનલાઈન પરીક્ષા ઉત્તિર્ણ કરી હોય એવા યોગ ટ્રેનરની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. આ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન સિનિયર યોગ કોચ દક્ષાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાના માજી કો-ઓર્ડીનેટર નિલેશ કોસીયાની ઉપસ્થિતિમાં આયોજિત પ્રેક્ટિકલ પરીક્ષામાં યોગ કોચ માયાબેન ઘોડધે, શિવમભાઈ ગુપ્તા, પ્રીતિબેન વૈષ્ણવ, યોગ ટ્રેનર આનંદભાઈ પટેલ વગેરેએ સેવા આપી હતી. અંતે તમામ પરીક્ષાર્થીઓએ યોગ ટ્રેનર તાલીમ માટે નિલેશ કોસીયા, દક્ષાબેન રાઠોડ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.