પગાર માટેના પેસા સોફટવેરમાં એન્ટ્રીની માથાકૂટમાં સર્જાયેલી મોકાણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.16: ચીખલી તાલુકામાં 176- જેટલી પ્રાથમિક શાળાઓમાં 841-જેટલા શિક્ષકો જ્યારે બાર જેટલા આરોગ્ય મંદિરોમાં 344 જેટલાનો ફરજ બજાવે છે. આ તમામને માર્ચ મહિનાનો પગાર ન મળતા નારાજગી ફેલાવવા પામી છે. અડધો એપ્રિલ માસ વીતી જવા સાથે માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓના વિવિધ લોનના હપ્તા સહિતની ગોઠવણો ખોરવાઈ જવા પામી છે. સામાન્ય રીતે મહિનાની 10 તારીખ સુધીમાં પગાર થઈ જતો હોય છે અને તે રીતે કર્મચારીઓએ લોનના હપ્તાની ગોઠવણ કરેલ હોય છે પરંતુ આ વખતે પગારમાં ઘણો વિલંબ થતાં લોનના હપ્તા ચુકી જવા સહિતની નોબત આવી છે.
સરકાર દ્વારા હાલે કેટલાક સમયથી પેસા સોફટવેરના માધ્યમથી કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે. આ પેસા સોફટવેરમાં સર્વર ખોટકાવવાના કે અન્ય કોઈ કારણોસર જે ઝડપથી સમયસર પગારની એન્ટ્રીઓ ન થતા આ મોકાણ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આ સ્થિતિમાં ગ્રાન્ટપણ વિલંબાતા સમયસર કર્મચારીઓને પગાર ચૂકવાઈ શકય ન હોવાની પણ વિગત સાંપડી હતી. સરકાર દ્વારા પેસા સોફટવેર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે પરંતુ આ સોફટવેર સુચાર રીતે ચાલી શકે તેવી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સોફટવેર ન ચાલે તેવા સમયે કોઈ અન્ય વિકલ્પ પણ આપવામાં ન આવતા હોય કર્મચારીઓ પાસે રાહ જોવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી અને સમયસર પગારના અભાવે કર્મચારીઓએ અનેક મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી છે.
સામી ચૂંટણીએ જ સરકારી કર્મચારીઓ પગારથી વંચિત સીડીએચઓ ડો.રંગુનવાલાના જણાવ્યાનુસાર કર્મચારીઓના પગારના બિલ મુકાઈ ગયેલા છે. પેસા સોફટવેરના થોડા ઈસ્યુ હતા એ સમસ્યાનું નિરાકરણ થઈ ગયેલ છે. આ વખતે બધાના જ પગાર લેટ થયા છે પરંતુ એક બે દિવસમાં થઈ જશે.