સંઘપ્રદેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેમના સપનાઓનું ઘર મળે તે માટે પ્રશાસન છે પ્રયત્નશીલઃ ઘોઘલામાં 104 અને બૂચરવાડામાં 77 ઘરવિહોણાને મળેલું ઘર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.27: આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં દીવના ઘોઘલા બાડોદકર કોલોની ખાતે તથા બૂચરવાડા ચેક પોસ્ટ નજીક બનાવેલ ‘પ્રધાનમંત્રી આવાસ’ યોજના અને ‘સૂર્યોદય આવાસ’ આવાસ યોજના હેઠળ બનેલા ફલેટસની લાભાર્થીઓને ફાળવણી માટે ઘોઘલા અને બૂચરવાડા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશ, દીવ જિ.પં. પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલ અને પદ્મશ્રી પ્રેમજીત બારિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને પદ્મશ્રી પ્રેમજીત બારિયાના હસ્તે દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ લાભાર્થીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્તે ફલેટની ચાવી એનાયત કરવામાં આવી હતી. આ અવસરે લાભાર્થીઓને તેમના ઘરની ચાવી મળતાં તેમની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. દરેકલાભાર્થીઓએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે યાદ રહે કે, ફાળવણી કરાયેલ ફલેટ્સના દસ્તાવેજ માત્ર મહિલાઓના જ નામ પર જ થઈ શકશે, એમ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લાભાર્થીઓને સૂચના આપી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે પરિવારો ઘરવિહોણા હતા તેમને તેમના સપનાનું આજે ઘર મળ્યું છે. ઉપરાંત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લાભાર્થીઓને જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન પદે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ટચૂકડા સંઘપ્રદેશ દીવ સહિત દાદરા નગર હવેલી અને દમણનો ચૌમુખી વિકાસ થયો છે અને હજુ અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને થશે.
અત્રે યાદ રહે કે, આ ઘરમાં દરેક આધુનિક સુવિધાઓ જેમ કે સોલાર પાવર પ્લાન્ટ, ટોયલેટ, બાથરુમ, કચરાપેટી, ડોલ-બકેટ તથા કિચન જેવી અનેક સુવિધાઓ સાથે આ ફલેટ્સ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.
આજે ફલેટ ફાળવણી કાર્યક્રમ દરમિયાન ઘોઘલા ખાતે દીવ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશ અને બુચરવાડા ખાતે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમૃતાબેન અમૃતલાલે પણ જિલ્લાના જરૂરિયાતમંદ લોકો માટે તમામ સુખ-સુવિધા સાથે મકાન આપવામાં આવ્યા છે તેબદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે સંઘપ્રદેશના નાણાં સચિવ અને સ્માર્ટ સીટી દીવના સી.એમ.ડી. શ્રી ગૌરવ સિંહ રાજાવત, દીવ જિલ્લા કલેક્ટર શ્રી ફવર્મન બ્રહ્મા, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તથા ભાજપના વિવિધ હોદેદારો, કાર્યકર્તાઓ, આમંત્રિ મહાનુભાવો તથા આવાસ યોજનાના લાભાર્થીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.