સંઘપ્રદેશ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ડેન્ગ્યુ પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દર વર્ષની જેમ આ વર્ષે પણ 16મી મે 2024ના રોજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્ય વિભાગ દ્વારા ‘‘રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ડેન્ગ્યુને રોકવા અને એનાથીબચવાના ઉપાય અંગે લોકોને જાગૃત કરવાનો હતો. ડેન્ગ્યુ એક એવી બીમારી છે જે મચ્છરના કરડવાથી થાય છે. જેની સમય પર સારવાર નહીં થાય તો એ રોગ ગંભીર રૂપ મોતનો ખતરો ઉભો કરી શકે છે. આ વર્ષની થીમ ‘‘સમુદાય સાથે જોડાઓ, ડેન્ગ્યુને નિયંત્ર કરો” છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ડેન્ગ્યુને નિયંત્રણ માટે કેટલાક સફળ પ્રયાસ કરવામાં આવ્યા છે. લોકોને ડેન્ગ્યુ પ્રત્યે જાગૃત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગામે ગામ જઈ ડેન્ગ્યુના લક્ષણ, તેનો ઈલાજ અને નિયંત્રણની રીતો જણાવી, સાથે સાથે દરેક જગ્યા પર સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ઉપરાંત મેડિકલ અને નર્સિંગ કોલેજમાં પણ ડેન્ગ્યુના રોગ વિશે જાણકારી માટે વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંદર્ભે સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ દ્વારા વધુ માહિતી આપતાં જણાવવામાં આવ્યું કે ડેન્ગ્યુ એક જીવલેણ બીમારી છે જે સંક્રમિત એડિસ મચ્છર કરડવાથી ફેલાઈ છે. સંક્રમિત મચ્છરોમાં ડેન્ગ્યુ વાઈરસ હોય છે. જ્યારે આ મચ્છર કરડે છે તો વાઇરસ લોહીમાં ભળી જાય છે, સંક્રમણ બાદ એના લક્ષણ દેખાવામાં 5 થી 8 દિવસનો સમયલાગી શકે છે. એના લક્ષણો તાવ સાથે ઠંડી લાગવી સૌથી સામાન્ય લક્ષણ છે. એના સિવાય માથું દુઃખવું અને આંખો પાછળ દુઃખાવો જેવા લક્ષણ જોવા મળે છે. ડેન્ગ્યુનું સંક્રમણ વરસાદના દિવસોમાં વધુ થાય છે અને અન્ય ઋતુમાં પણ થઈ શકે છે. જેથી લક્ષણ દેખાય તો તરત જ લોહીની તપાસ કરાવી લેવા આરોગ્ય વિભાગ દ્વારા આગ્રહ રાખવામાં આવે છે. તપાસ પ્રદેશના દરેક જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
ડેન્ગ્યુથી બચવા માટે પાણીને જમા થવા દેવું નહીં, સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો, આખા શરીર પર કપડાં પહેરવા જેનાથી મચ્છર કરડવાથી બચી શકાય અને જો લક્ષણ જોવા મળે તો તરત જ નજીકના જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલો પર જઈ તપાસ કરાવવી અને ઈલાજ કરાવવો. વધુ માહિતી માટે પોતાના નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકે છે.