(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.21: ચીખલી-અટગામ મુખ્ય જિલ્લા માર્ગ ઉપર ઘેજ ગામના છતરિયા ફળીયા પાસે માર્ગને અડીને આવેલા વીજકંપનીના વીજપોલ લાંબા સમયથી નમેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. વીજપોલ નમવા સાથે આજ વિસ્તારમાં માર્ગની બાજુમાંથી પસાર થતીવીજલાઈન પણ ઝુલા ખાઈ રહી છે.
આ ઉપરાંત ભરડા ફળીયાના મુખ્યમાર્ગ સ્થિત કિશોરભાઈ બાલુભાઈ પટેલના ઘર નજીકથી પસાર થતી ખેતીવાડીની વીજલાઈન બે થાંભલા વચ્ચેનું અંતર વધારે હોવાના કારણે કે અન્ય કારણોસર લાંબા સમયથી ઝુલા ખાઈ રહી છે અને લાઈન એટલી નીચે આવી જવા પામી છે કે ટ્રક-ટ્રેકટર જેવા કોઈ વાહનો પસાર થાય તો પણ અડી જાય તેમ છે. આ સ્થળે રહેણાંકનું મકાન હોવા છતાં વીજકંપનીના અધિકારીઓ દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી. આ અંગે સ્થાનિક આગેવાન દ્વારા ખેરગામ વીજકંપનીના ઈજનેરો વારંવાર જાણ કરવા છતાં તેઓને મરામત માટે ફુરસદ ન હોય તેમ લાગી રહ્યું છે.
ઘેજ ગામમાં ચીખલી-અટગામ મુખ્યમાર્ગ ઉપર છતરિયા ફળીયા ઉપરાંત ભરડા ફળીયામાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થતી વીજલાઈન અને વિજપોલ લોકો માટે જોખમી પુરવાર થાય તો નવાઈ નહિ. ચોમાસાની સિઝન પણ શરૂ થઈ છે. ત્યારે આ પ્રકારની સ્થિતિમાં વીજલાઈનનો ભૂલથી અજાણતામાં પણ સંપર્ક થઈ જાય તો શું સ્થિતિ સર્જાઈ શકે તે વીજ કંપનીના જવાબદાર ઈજનેરો સારી રીતે જાણતા હોવા છતાં તેઓને ગંભીરતા નથી કે પછી કામ કરવાની ભાવના નથી તે સમજાય એમ નથી.
તંત્રની બેદરકારીનાં લીધે લાંબા સમયથી ખેતીવાડીની વીજલાઈન ઝુલા ખાઈ રહીછે.
ઘેજ-ભરડાના કિશોરભાઈના જણાવ્યાનુસાર મારી ઘર પાસેથી પસાર થતી ખેતીવાડીની વીજલાઈ નમી પડેલ છે અને આ સ્થિતિ ઘણા લાંબા સમયથી છે. ટ્રક કે ટ્રેકટર જેવા વાહનો પસાર થાય તો અડી જાય તેવી સ્થિતિ છે. ત્યારે વીજ કંપનીના ઈજનેરો દ્વારા પ્રાથમિકતા આપી લાઈન ખેંચાવે તે જરૂરી છે.
—-
