ચીખલીમાં રાત્રી દરમિયાન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ઈસમને તાત્કાલિક સારવાર અપાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલીના થાલામાં વલસાડ-સુરત નેશનલ હાઈવે પરથી રાત્રીના દસેક વાગ્યાના અરસામાં સ્પંદન હોસ્પિટલના ડો.પ્રદીપભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યો આશરે 55 થી 60 વર્ષની ઉંમરનો શખ્સ ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા પાછળ આવી રહેલ થાલાના સાઈ ડેરીના અનિલભાઈ આહીર સાથે સ્પંદન હોસ્પિટલ નજીક જ હોય તાત્કાલિક સ્ટ્રેચર મંગાવી આઈસીયુંમાં દાખલ કરાવી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
આ અજાણ્યો શખ્સ હાઈવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈક વાહનચાલકે અડફતે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સ્પંદન હોસ્પિટલના સંચાલક સિડનીભાઈ વાધેલાએ પોલીસ અને સ્થાનિક આગેવાનોને પણ વાકેફ કર્યા હતા. પરંતુ આ લખાય ત્યાં સુધી આ ઈજાગ્રસ્ત અજાણ્યા શખ્સની ઓળખ થઈ ન હતી અને તે સ્પંદન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ છે. ઈજાગ્રસ્તની ઉંમર 55 થી 60 વર્ષની અને શરીરે લૂંગી અને સફેદ કલરના કપડું પહેરેલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પહેરવેશ જોતા પર પ્રાંતીય હોવાનું પણ અનુમાન કરાઈ રહ્યું હતું.