ટીમ વર્ક દ્વારા રાજ્ય સરકારની યોજના અને કામગીરીનો લોકો સુધી પ્રચાર પ્રસાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્ય સરકારની માહિતી નિયામક કચેરી હસ્તક વિવિધ જિલ્લાઓમાં નાયબ માહિતી નિયામક વર્ગ – 1 તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલીના હુકમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં વલસાડ જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ભરૂચથી ભાવનાબેન વસાવાની બદલી થતા તેઓએ તા.9 ઓગસ્ટ 2024ને શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા નાયબ માહિતી નિયામક ભાવનાબેન વસાવાનું પુષ્પગુચ્છ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક વસાવાએ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કામગીરીનો પ્રચાર પ્રસાર છેવાડાના લોકો સુધી સુદઢ રીતે થઈ શકે અને ટીમ વર્કથી વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા શ્રેષ્ઠ કામગીરીકરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લા બે વર્ષ અને બે મહિના સુધી વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકનો ચાર્જ સંભાળનાર નવસારીના સહાયક માહિતી નિયામક યજ્ઞેશભાઈ ગોસાઈએ સૌ સાથી કર્મચારીઓનો પરિચય કરાવી વલસાડ માહિતી કચેરી સાથે કામ કરવાના સંસ્મરણો વાગોળી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.