પતિને કાયદાનું ભાન કરાવી પોલીસ ફરિયાદ દાખલ થશે એમ કહેતા જ પતિની શાન ઠેકાણે આવી ગઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નજીકના ગામમાં રહેતી 39 વર્ષીય મનિષા પટેલ(નામ બદલ્યું છે)એ 181 અભયમ મહિલા હેલપલાઈન ઉપર તા.24 જૂનને રાત્રિના 1:26 કલાકે ફોન કરી જણાવ્યું હતું કે, દારૂડિયા પતિએ મારઝૂડ કરી ઘરમાંથી બહાર કાઢી મુકી છે. જેથી વલસાડ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં જઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે,મનિષાબેનના પ્રેમલગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી તેઓને એક દીકરો છે જે હાલમાં ધો.10માં અભ્યાસ કરે છે. તેનાથી નાની દીકરી પણ અભ્યાસ કરે છે. મનિષાબેન પોતે કંપનીમાં વર્કર તરીકે કામ કરે છે. જ્યારે પતિ રાજેશ પટેલ (નામ બદલ્યું છે) વોચમેનની નોકરી કરે છે. જે વ્યસની હોવાથી કારણો વગર નાની મોટી બાબતે ઝગડો કરી શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો બોલી પત્નીને જાહેરમાં અપમાનિત કરતો હતો. રાત્રિના સમયે નશાની હાલતમાં ઝગડો કરી અડધી રાતે પત્ની મનિષાને ઘરમાંથી બહાર કાઢી મુકી હતી. આ બાબતે 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી પતિ રાજેશને તેની ભૂલનું ભાન કરાવી કાયદાકીય ચિમકી આપી મનિષાબેનને પોલીસ ફરિયાદ કરવા માટે જણાવતા પતિએ હવે પછી સુધરી જઈ કોઈને પણ હેરાન ન કરે તેવી ખાતરી આપતા મનિષાબેને ફરિયાદ માટે ના પાડતા સહમતિથી સુખદ સમાધાન થયું હતું. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ન્યાય અપાવવા બદલ મનિષાબેને અભયમની ટીમનો આભાર માન્યો હતો.