સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી એક વ્યક્તિએ કોઈક કારણોસર નદીમાં ઝંપલાવી દીધું હતું. તેની જાણ ફાયર અને પોલીસની ટીમને કરાતા તેઓ દ્વારા શોધખોળ આદરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર અનિલ દુબે (ઉ.વ.45) રહેવાસી સેલવાસ અને મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. જે સોમવારની રાત્રિના દસ વાગ્યાના સુમારે અથાલ દમણગંગા નદીના પુલ ઉપર વચ્ચોવચ ઉભો રહી એણે પહેરેલ જેકેટ અને ચપ્પલ કાઢી દીવાલ પર ચડી નદીમાં ઝંપલાવી દીધું હતું. આ વ્યક્તિને નદીમાં કુદતા જોઈ ત્યાંથી પસાર થતાં લોકોએ તાત્કાલિક દાનહ પોલીસ અને ફાયર વિભાગને ટેલીફોનિક જાણ કરી હતી. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી અને નદીમા ઝંપલાવનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી દીધી હતી. પરંતુ આજે મંગળવારે પણ આખા દિવસ દરમ્યાન ફાયરની ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરેલ પણ મળી આવેલ નથી.
નદીમાં ઝંપલાવનાર અનિલ દુબે ઘણાં વર્ષોથી સેલવાસમાં જ રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેની શરીરે પહેરેલ જેકેટના ખિસ્સામાંથી મળી આવેલ આધારકાર્ડના આધારે ઓળખ થઈ હતી. એમણે કયા કારણોસર આ પગલુ ભર્યું એ હજી સુધી જાણીશકાયું નથી.
અત્રે યાદ રહે કે, અગાઉ કેટલીય વખત સેલવાસ-નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે, આ અગાઉ પણ અનેક વખત આ પુલ ઉપરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યા હોવાની તેમજ કેટલાકના જીવ ઉગરી ગયા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતાં સમગ્ર પ્રદેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આવા બનાવો રોકવા માટેના અસરકારક પગલાં શા માટે નથી લેવાતા?
આ દમણગંગા નદીના પુલ પરથી આત્મહત્યાના વારંવાર કિસ્સાઓ બનતા વિવિધ સંસ્થાઓ પણ પ્રશાસનના અધિકારીઓને પુલની બન્ને બાજુએ જાળીઓ લગાવવા માટે વારંવાર રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ આ બાબતે તેઓ અજાણ હોય એમ પ્રશાસન દ્વારા કોઈકની જીંદગી બચે એ માટેના આજદિન સુધી કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી તે સૂચક છે.