26નંગ સાગના દાંડા સાથે એક ઈસમને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરાયોઃ આર.એફ.ઓ. કિરણસિંહ પરમારે હાથ ધરેલી વધુ તપાસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગની ટીમ ખરડપાડા ગામના જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે એક વ્યક્તિ સાગના વૃક્ષોને કાપતો હોવાનું નજરે પડયો હતો. વનકર્મીઓ તેની પાસે પહોંચે તે પહેલાં ઈસમે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેનો વનવિભાગના કર્મચારીઓએ પીછો કર્યો હતો અને પકડી પાડયો હતો. તેની તપાસ કરતા જંગલમાંથી નાના સાગના દાંડા કાપેલા મળી આવ્યા હતા જેને જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્રને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીનો મોટાભાગનો વિસ્તાર વન્યસંપદાથી ભરેલો છે. આ વન્યસંપદાની જાળવણી કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ટીમ ખરડપાડા ગામે પેટ્રોલિંગ કરી રહ્યા તે દરમ્યાન ફોરેસ્ટર શ્રી સતીષ પ્રજાપતિ, ફોરેસ્ટ ગાર્ડ સુશ્રી ભાવિષાબેન આહિર તેમજ પ્રોટેક્શનવોચમેનને લાકડા કાપવાનો અવાજ સંભળાયો હતો. તાત્કાલિક નજીક જઈને જોતાં એક શખ્સ જંગલમાંથી વૃક્ષોને કાપતા નજરે પડયો હતો. જંગલમાં વૃક્ષો કાપી રહેલા ઈસમની નજીક વનકર્મીઓની ટીમ પહોંચે તે પહેલાં જ તેણે જંગલમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વન વિભાગના કર્મચારીઓની ટીમે ભાગી રહેલા ઈસમનો પીછો કરી ઝડપી પાડયો હતો. ઈસમની તપાસ કરતા દિવાળ રૂપજી કાકડ- જેઓ રહેવાસી લુહારી ઉમારયાપાડાના જેમની પાસેથી 26 નંગ સાગના દાંડા કાપેલા મળી આવ્યા હતા. સાગના કાપેલા દાંડા સાથે મળી ઝડપાયેલા દિવાળ રૂપજી કાકડની વનકર્મીઓએ ધરપકડ કરી હતી અને આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર સમક્ષ હાજર કર્યા બાદ આરોપીને કોર્ટમાં હાજર કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીનો મોટાભાગનો વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વિસ્તાર છે. જેમાં ગેરપ્રવૃત્તિ કરનાર લોકો વિરૂદ્ધ કલમ 27/29 અંતર્ગત ગુનેગાર ઠેરવી 3 થી 7 વર્ષની સજાનું પ્રાવધાન છે. વાઈલ્ડ લાઈફ સેન્ચુરી વિસ્તારમાં સંઘપ્રદેશ વનવિભાગની પરવાગનગી વગર પ્રવેશ કરતા કલમ 27 લાગૂ પડે છે, તેમજ વન્યસંપદાને નુકસાન કરવા બદલ કલમ 29 અને હથિયાર સાથે પ્રવેશ ઉપર કલમ 31 લાગૂ પડતી હોય છે. જેમાં સખત કેદની સજા થઈ શકે છે.