વલસાડ વિસ્તારમાં દિપડાનો વધુ એક હિંસક હુમલો : ફોરેસ્ટ વિભાગે પાંજરુ ગોઠવવાની તજવીજ હાથ ધરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: વલસાડ નજીક આવેલ નાની સરોણ ગામે આજે રવિવારે મળસ્કે એક પશુપાલકના કોઢારમાં દિપડો પ્રવેશ્યો હતો. કોઢારમાં રહેલ વાછરડા ઉપર હુમલો કરી શિકાર બાદ દિપડો ચાલી ગયેલા બનેલા બનાવને લઈ ગામમાં ગભરાટનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
વલસાડના નાની સરોણ તાઈ ફળીયામાં રહેતા ખેડૂત નિલેશભાઈ મોહનભાઈ પટેલ ખેતી સાથે પશુપાલન પણ કરે છે તે માટે ઘર પાસે પશુઓનો કોઢાર બનાવ્યો છે. આ કોઢારમાં આજે મળસ્કે હિંસક દિપડો પ્રવેશ્યો હતો. દિપડાએ વાછરડા ઉપર હુમલો કરી મૃત હાલતમાં વાછરડાને છોડી જંગલમાં ચાલી ગયો હતો. સવારે નિલેશભાઈએ જોયુ તો વાછરડુ મૃત હાલતમાં પડયું હતું. તેથી તેમને ખ્યાલ આવી ગયો હતો કે કોઢારમાં દિપડો ાવ્યો હોવો જોઈએ. ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગ આવીને તપાસ હાથ ધરી હતી.દિપડો આવ્યાની નિશાનીઓ મલી આવી હતી. સાથે આવેલ પશુચિકિત્સક દિવ્યાબેન પટેલએ વાછરડાનું પી.એમ. કર્યું હતું. વન વિભાગે પાંજરુ મુકવાની તજવીજ હાથ ધરી હતી. ગામમાં દિપડો આવ્યાની વાત ફેલાતા ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો.