સાદકપોર ગામે શેરડીની કાપણી કરવા આવેલ શ્રમજીવી પરિવારની સગર્ભા મહિલાની સ્થળ પર જ સફળતા પૂર્વક ડિલિવરી કરાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી તાલુકાના સાદકપોર ખાતે મહારાષ્ટ્રના નંદુરબારથી શેરડીની કાપણી કરવા માટે શ્રમજીવી પરિવારો પડાવમાં રહેતા હતા. દરમ્યાન જયશ્રીબેન રોહિતભાઈ કોટવાડિયાને પ્રસુતિ દુઃખાવો ઉપડતા જેમને 108 ની મદદથી હોસ્પિટલ લઈ જવાનો કેસ મળતા 108 ની ટીમના ઈમર્જન્સી મેડિકલ ટેકનિશીયન (ઈ.એમ.ટી) જીનલ પટેલ અને પાયલોટ મુકેશભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાને સારવાર માટે લઈ જવાની તજવીજ હાથ ધરતા તે દરમ્યાન મહિલાને અસહ્ય દુઃખાવો શરૂ થતા ઈ.એમ.ટી જીનલબેન પોતાની તજજ્ઞતા અને શાંતિપૂર્વક કામ કરતા સ્થળ પર જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લઈ કૌશલ્ય અને ધ્યાન પૂર્વક મહિલાની સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. જે ડિલિવરી દરમ્યાન એક બાળકીનો જન્મ થયો હતો. બાદમાં જીનલબેને અમદાવાદ હેડ ઓફિસના ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયન (ઈ.આર.સી.પી) ડૉ.લીપીબેનના માર્ગદર્શન હેઠળ માતા અને બાળકને તાત્કાલિક જરૂરી ઈન્જેક્શન અને દવાઓ આપી વધુ સારવાર માટે જયશ્રીબેનને સાદકપોર ખાતેના પ્રાથમિકઆરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલે માં-અને નવજાત શિશુ બન્નેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
108-ના જીનલબેન અને મુકેશભાઈ દ્વારા બતાવેલી હિંમત કૌશલ્ય અને તાત્કાલિક નિર્ણયો સાથે સફળ કામગીરી એ 108-એમ્બ્યુલન્સ સેવાની માનવતાવાદી છબીને વધુ મજબૂત કરી છે. આ શ્રમજીવી પરિવાર માટે 108 આશીર્વાદ પુરવાર થતા મહિલાના પરિવારજનો દ્વારા 108 ટીમની કામગીરીને બિરદાવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પણ સ્થળ પર જ પ્રસુતાની ડિલિવરી કરાવનાર 108-ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.