ખરેખર જીવનમાં દરેક વ્યક્તિએ ‘‘YES, I CAN DO THIS…” સૂત્રનું ઉચ્ચારણ રોજ કરવું જ જોઈએ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે નવસારીમાં આવેલ તાતા ગર્લ્સ સ્કૂલ દ્વારા ધો.10 અને ધો.12 ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓ કઈ રીતે કરવી તેમજ સારા માર્કસ કઈ રીતે મેળવી શકાય તે અંગે નવસારીના પ્રતિષ્ઠિત વિજ્ઞાન શિક્ષક, મોટીવેશનલ વક્તા, શોર્ટ ફિલ્મ્સ મેકર તેમજ ઉમદાતેમજ પ્રેરણાદાયી સ્વભાવ ધરાવનાર ચિરાગ ભટ્ટને આમંત્રિત કરાયા હતા. ચિરાગ ભટ્ટે બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી માર્ગદર્શન જ નહિ પરંતુ જિંદગીમાં કઈ રીતે આગળ વધવું તેમજ કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો તેનું સચોટ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
સેમિનારમાં બાળકોને હિન્દી ફિલ્મોના કેટલાક મોટીવેશનલ દ્રશ્યો તેમજ ગીતો પણ બતાવવામાં આવ્યા હતા. સેમિનારનો મુખ્ય હેતુ બાળકોમાં મહેનત કરવાની ધગસ કેળવવી તેમજ બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે છેલ્લા દિવસોમાં કઈ રીતે મહેનત કરવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવું એ હતો. વાંચતી વખતે કઈ રીતે ભણવામાં કોન્સન્ટ્રેશન લાવવું જેથી બધું સરળતાથી યાદ રાખી શકાય અને પેપર સારી રીતે લખી શકાય અને સારા માર્કસ મેળવી શકાય. ચિરાગ ભટ્ટે બાળકો પાસે ડ્રીમ માર્કશીટ જે તેઓ બોર્ડ પરીક્ષામાં મેળવવા માંગતા હોય તે બનાવડાવીને માર્કશીટને નિહાળતા ‘‘કયુકી તુમ હી હો” ફિલ્મી ગીત પર ઝુલાવ્યા હતા. બાળકોએ પણ પોતાને મળેલ આ ઉમદા મોટીવેશનને પોતાની જીંદગીમાં પાલન કરવાનો નિર્ધાર કર્યો હતો.
શાળાના શિક્ષક ભવિન રાણા એ ચિરાગભાઈનું બાળછોડ તેમજ સ્મૃતીભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો તેમજ બાળકોને ચિરાગભાઈએ સેમિનાર દરમ્યાન આપેલ સૂત્ર ‘‘YES, I CAN DO THIS…” વારંવાર યાદ કરાવ્યું અને યાસ્મીનબેને એમ પણ જણાવ્યું કે તેમને આ સૂત્ર બહુ જ ગમ્યું છે. ખરેખર જીવનમાં દરેક વ્યક્તિએ આ સૂત્રનું ઉચ્ચારણ રોજ કરવું જ જોઈએ જેથી પોતાનો દરેક દિવસ ઉત્સાહ અને મહેનત પૂર્ણ માહોલમાં પૂર્ણ કરી શકાય. પોતાને બાળકોને પ્રોત્સાહીત કરવા બોલાવવા બદલ મોટીવેટર ચિરાગ ભટ્ટે પણ આચાર્યા તેમજ શાળાના શિક્ષકો તેમજ બાળકોનો આભાર માન્યો હતો.