પારડી શહેર અને તાલુકા પ્રમુખ માટે ત્રણ લોબીઓ સક્રિય હોવાની ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.18: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વહીવટદારો નગરપાલિકા સંભાળી રહ્યા હતા. આ નગરપાલિકાની ચૂંટણીઓ ફેબ્રુઆરી મહિનામાં યોજવાનું ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવતા આ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ બુથ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી અને આ બૂથ પ્રમુખના શહેર અને તાલુકાના પ્રમુખોના દાવેદારો માટે સેન્સ લીધા બાદ શહેર અને તાલુકાના પ્રમુખો નક્કી કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ ચૂંટણી અધિકારી રાજેશભાઈ દેસાઈ તથા તેમના સહયોગી દક્ષેશ માવાણી તથા જિલ્લા તરફથી નક્કી કરવામાં આવેલ જીતેશ પટેલ અને ગણેશ બીરારી દ્વારા તારીખ 18-12-2024 ના રોજ ઉમરગામ બાદ પારડીના ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે બપોરે 2:00 વાગ્યે પારડી શહેર તથા પારડી તાલુકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પારડી તાલુકા પ્રમુખ તરીકે ધ્રુવીન પટેલ કોટલાવ, દીક્ષાંત પટેલ પરિયા, રાજેન્દ્ર પટેલ ડુંગરી, પુનિત પટેલ સુખેશ, ડેનિસ આહીર મોતીવાડા, હેમંત પટેલ સોંઢલવાડા અને મિતેશ પટેલ બાલદા એમ સાત ઉમેદવારોએ પારડી તાલુકા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવીછે.
જ્યારે પારડી શહેર ભાજપ પ્રમુખ તરીકે જેસીંગ ભરવાડ, જુબીન દેસાઈ, ચાર્લીશ ભંડારી, ચેતન ભંડારી, ધર્મેશ માલી, જીગ્નેશ રાણા, અશોક પ્રજાપતિ, શાહીન પટેલ અને વિપુલ પટેલ જેવા નવ ઉમેદવારોએ પારડી શહેર ભાજપ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે.
જેમાં પારડી તાલુકાના નિમણૂક પામેલા બુથ પ્રમુખોના સેન્સ લીધા બાદ આ પ્રમુખ માટેના દાવેદારોના નામો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે અને 25 મી ડિસેમ્બરે વાજપેયીજીનો જન્મદિવસ હોય જે સુશાસન દિવસ તરીકે ઓળખાતા આ દિવસે લગભગ પારડી શહેર તથા પારડી તાલુકા પ્રમુખનો તાજ કોને શિરે તે નક્કી થઈ જશે. પરંતુ પારડી શહેર અને તાલુકા પ્રમુખ સહિત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ માટે ધારાસભ્ય, સાંસદ અને પ્રદેશ પ્રમુખ જેવી ત્રણ અલગ અલગ લોબીઓ સક્રિય હોવાની ચર્ચા ચાલી રહી છે અને પારડી શહેર તથા તાલુકામાંથી પ્રમુખ માટેની દાવેદારી કરનારા ઉમેદવારો આ ત્રણે લોબીમાં વહેંચાઈ ગયા હોય આગામી ટુંક જ સમયમાં જાહેર થનારા શહેર તથા તાલુકાના પ્રમુખ માટે કોણ બાજી મારે અને કોનું પલ્લું ભારે રહે એ કોના માથે પ્રમુખનો તાજ આવે એ આવનારો સમય જ બતાવશે.