(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ નગરપાલિકા દ્વારા સવા વર્ષ પહેલાં જમીનદોસ્ત કરવામાં આવેલ શાકમાર્કેટનાં લારી-પાથરણાંવાળાઓને કયાં બેસાડવા એટલે કે હંગામી ધોરણે શાકમાર્કેટ કયાં ગોઠવવી એનું આયોજન કરવામાં વલસાડ નગરપાલિકા સરેઆમ નિષ્ફળ ગયેલી છે. જેને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનનાં પ્રદેશ ઉપપ્રમુખ અને વલસાડ જિલ્લા ભાજપના અન્ય ભાષા ભાષી સેલનાં જિલ્લા સંયોજકવિજય ગોયલે લોકદરબાર બોલાવી વલસાડ પંથકના અગ્રણીઓ જોડે ચર્ચા કરવા અનુરોધ કર્યો છે અને સમાધાનનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
વિજય ગોયલે કલેકટર વલસાડને શાકમાર્કેટની સ્થિતિ અંગે લેખિતમાં જણાવ્યું છે કે 1980-81 દરમિયાન ત્યારનાં નગરપાલિકાના શાસકોએ વલસાડ શહેરના હિતને ધ્યાનમાં રાખીને શાકમાર્કેટની ઐતિહાસિક ઇમારત બનાવી હતી. અને શાકમાર્કેટની ઈમારતને ભારતના પૂર્વ વડાપ્રધાનનું નામ ‘‘મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર” આપેલ હતું. જેનો લાભ વલસાડ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોનાં રહીશોએ વિપુલ પ્રમાણમાં ઉઠાવ્યો હતો. આ ઐતિહાસિક ઇમારતનું માવજત સમય સમયે કરવામાં નગરપાલિકા દ્વારા ન કરવાને કારણે ઈમારત જર્જરિત હાલતમાં આવી જતાં એને નગરપાલિકા દ્વારા જમીનદોસ્ત કરવામાં આવી હતી.
જમીનદોસ્ત કરવાનાં સવાવર્ષે પણ વલસાડ નગરપાલિકા હંગામી શાકમાર્કેટનું આયોજન કરવામાં નિષ્ફળ ગયેલી છે. માટે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ મુજબ જટિલ પ્રશ્નોનાં નિવારણ માટે લોકદરબારનું આયોજન કરવાની માંગણી કરવામાં આવી છે.