December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

તાલુકા અધિકારીઓ સાથે ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી, કુપોષિત બાળકો, કોવિડ રસીકરણ વગેરે કામગીરી  બાબતે સમીક્ષા બેઠક યોજી

વલસાડઃ તા.૦૬: વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ તા.૦૪/૦૨/૨૦૨૨ના રોજ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લઇ તાલુકા વિકાસ અધિકારી, સીડીપીઓ, અધિક મદદનીશ ઇજનેર તથા તાલુકાના અન્‍ય કર્મચારીઓ સાથે તાલુકા પંચાયત કપરાડા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ કપરાડા તાલુકા પંચાયત દ્વારા મનરેગા અને ૧પમા નાણાપંચના કન્‍વર્ઝેશન હેઠળ બનાવવામાં આવનારા ૨૦ ગ્રામ પંચાયત ભવનની ગામવાર સમીક્ષા કરી હતી. જેમાં ૧૭ ગ્રામ પંચાયત ભવનની કામગીરી ચાલુ છે, જ્‍યારે બાકી રહેતા ૦૩ ગ્રામ પંચાયતોની કામગીરી ત્રણ દિવસમાં શરૂ કરવા જણાવી ગ્રામ પંચાયત ભવનના કામોની કવોલીટી જળવાઈ રહે તેમજ મે-૨૦૨૨ પહેલાં પૂર્ણ થાય તેવું આયોજન કરવાની સાથે અધિક મદદનીશ ઈજનેરને ગામોની રૂબરૂ મુલાકાત લઈ બાંધકામની પ્રગતિનો દૈનિક રીપોર્ટ કરવા જણાવ્‍યુ હતું.

આંગણવાડીની કામગીરી અંગે સમીક્ષા કરતાં નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા તબદીલ કરાયેલી આંગણવાડીને મનરેગા હેઠળ કન્‍વરઝેશનમાં લેવાની યોગ્‍ય કાર્યવાહી કરવા, વિવિધ યોજનાઓ હેઠળ અગાઉની તેમજ ચાલુ નાણાંકીય વર્ષમાં મંજૂરી કરાયેલી આંગણવાડીઓ પૈકી પ્રગતિ હેઠળની આંગણવાડીની કામગીરીમાં ઝડપ લાવી એક માસની અંદર પુર્ણ કરવા તેમજ હજુ સુધી શરૂ કરવામાં આવી ન હોઇ તેવી આંગણવાડીની કામગીરી સોમવાર સુધીમાં શરૂ કરી દેવા જણાવ્‍યું હતું. જ્‍યારે વાયરિંગની કામગીરી બાકી છે તેવી આંગણવાડીઓની કામગીરી ૧૫ દિવસમાં પુર્ણ કરવા, આંગણવાડીઓ માટે મંજૂર થયેલા શૌચાલયની કામગીરી પણ સત્‍વરે પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. આંગણવાડી માટે જમીન અંગેના પ્રશ્‍ન અંગે સબંધિત ગ્રામ પંચાયતના સરપંચ સાથે જરૂરી ચર્ચા કરી કામગીરી શરૂ કરવા તેમજ સબ સેન્‍ટર બનાવવાની કામગીરીમાં જમીનના ઈસ્‍યુ બાબતે ચર્ચા કરી જમીન ઉપલબ્‍ધ થયે જરૂરી ટી.એસ./એ.એસ. મેળવી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.

કોવિડ  ૧૯ અન્‍વયે ૨૦૦૫ પછી જન્‍મેલા બાળકોને રસીકરણ અંતર્ગત કપરાડાના ત્રણ ઘટકોમાં અનુક્રમે ૪૭૯, ૬૧૦ અને ૭૫૨ મળી કુલ ૧૮૪૧ બાળકોને રસી મુકવામાં આવી છે. આ રસીકરણમાં બાકી રહેતા તમામ બાળકોને આવરી લઈ ૧૦૦% રસીકરણની કામગીરી પૂર્ણ થાય તે હેતુસર આરોગ્‍યના સ્‍ટાફ સાથે સંકલનમાં રહી ટીમ બનાવી કામગીરી કરવા જણાવ્‍યું હતું.

બેઠકમાં કુપોષિત બાળકો અંગે ચર્ચા કરતાં કપરાડા તાલુકામાં રેડ કેટેગરીના ૨૬૯ બાળકો તેમજ યલો કેટેગરીમાં ૬૪૬ બાળકો કુપોષિત જણાયા છે. જે બાબતે જરૂરી આયોજન કરી સુપરવાઈઝર તેમજ ગ્રામ્‍ય કક્ષાના આંગણવાડી વર્કર, આશા વર્કરો મારફતે ઝુંબેશના રૂપે કામગીરી કરવા તેમજ પોષણ સુધા કામગીરી બાબતે સમીક્ષા કરતા ઘટક- ૧ ની ૯૧% ઘટક  ૨ ની ૯૫% અને ઘટક – ૩ ની ૮૬% કામગીરી થયેલી હોઇ આ કામગીરી સત્‍વરે ૧૦૦ % પૂર્ણ કરવા જણાવ્‍યું હતુ.

આ બેઠક બાદ જિલ્લા વિકાસ અધિકારીએ જામગભાણ આશ્રમશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આશ્રમશાળાના ઓરડાઓ, મેસ, શૌચાલય વગેરેના અપગ્રેડેશન અંગે તાલુકા વિકાસ અધિકારીને ચર્ચા વિચારણા કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. જામગભાણ ખાતે મનરેગા હેઠળ માટી-મેટલ રોડના કામની મુલાકાત તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસોની મુલાકાત પણ કરવામાં આવી હતી. જ્‍યારે મનરેગા હેઠળ નિર્માણાધિન ચાવશાળા અને ચીરવલ ગ્રામ પંચાયત ઘર બાંધકામની મુલાકાત લઇ ગ્રામ પંચાયતઘરના બાંધકામની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારી, કપરાડા તથા મનરેગા સ્‍ટાફને જણાવ્‍યું હતું.

Related posts

દાનહના મોરખલથી વારણા તરફ જતો માર્ગ અત્‍યંત બિસ્‍માર અને ખખડધજઃ વાહનચાલકો અને રાહદારીઓને પડી રહેલી મુશ્‍કેલી

vartmanpravah

વાપી ગીતાનગર કાચા મકાનમાં લાગેલી આગમાં ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ

vartmanpravah

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

ધરમપુરના ભેંસધરામાં દિવાળી નિમિત્તે ફટાકડા-મીઠાઈ-કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment