વલસાડ તા.૧૧: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય પોષણ દિવસની મહત્વની વ્યુહરચનાઓમાંની એક છે. કૃમિ એ એનિમિયા અને પોષણની ઉણપનું કારણ બનવા ઉપરાંત માનસિક અને શારીરિક વિકાસ પણ અવરોધાય છે. ૧ થી ૧૯ વર્ષની વય જુથનાં બાળકોને કૃમિની સમસ્યા વધારે રહેતી હોઇ કૃમિનાં કારણે થતાં કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનાં હેતુથી રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહની ઉજવણી ફેબ્રુઆરી અને ઓગસ્ટ એમ વર્ષમાં ૨ વખત કરવામાં આવે છે. જેમાં બાળકોને સામુહિક રીતે ૧ થી ૨ વર્ષનાં બાળકોને આલ્બેન્ડાઝોલ ટેબલેટ ૨૦૦ મી.ગ્રા. તથા ૨ થી ૧૯ વર્ષના બાળકોને ૪૦૦ મી.ગ્રા. આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકારા અધિકારી, મનીષ ગુરવાનીએ વલસાડ તાલુકાની વાઘલધરા, જેસીયા અને વાસણ પ્રામિક શાળાઓની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફિસરો પણ હાજર રહ્યા હતાં. પારડી તાલુકાના સુખેશ પ્રાથમક શાળા ખાતે પારડી તાલુકા પંચાયત પ્રમુખ તથા સરપંચ દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક સપ્તાહ ઉજવણીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દ૨મ્યાન જિલ્લાનાં ૧ વર્ષથી ૧૯ વર્ષ સુધીનાં તમામ આંગણવાડી, શાળાઓ તથા શાળાએ ન જતાં બાળકોનાં ઘરે જઇ આલ્બેન્ડાઝોલ ટેબલેટ પીવડાવવામાં આવશે, એમ જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.