(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના દાદરા ગામે પંચાયત કચેરી નજીક મેઈન રોડ પર લગાવવામાં આવેલ વીજળીનો થાંભલો છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો. જે અચાનક તૂટી પડતા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા ગ્રામ પંચાયત કચેરી પાસે ઉભા કરાયેલ વીજપોલ છેલ્લા ઘણાં સમયથી જર્જરીત બની ગયો હતો અને જેના ઉપરની લાઈટ પણ બંધ હતી. પરંતુ એના પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા જે કેમેરા પણ અધ્ધર લટકેલી હાલતમાં જોવા હતા.
મળતી માહિતી પ્રમાણે અનુસાર દાદરા ગામમાં મુખ્ય રોડ પર વચ્ચે વીજળીનો થાંભલો ઉભો કરાયેલ છે પરંતુ એના ઉપરની લાઈટો ગુમ છે અને મેન્ટેનન્સના અભાવે થાંભલાઓ પણ કાટની જંજાળમાં ફસાયેલા છે. જેના કારણે ઘણાં જર્જરિત બનીને સડી ગયા છે. તેથી અગર જો પંચાયત કે પી.ડબ્લ્યુ.ડી. વિભાગ દ્વારા આ તરફ ધ્યાન આપવામાં નહીં આવશે તો ભવિષ્યમાં મોટા અકસ્માતની પણ સંભાવના છે. અને જો એમ ને એમ સ્થિતિ રહી તો અન્ય થાંભલાઓ પણ સડીને તૂટી પડશે એમાં કોઈ શંકા નથી. તેથી દાનહમાં જ્યાંજ્યાં પણ આવા જર્જરિત થઈ ગયેલા વીજળીના થાંભલાઓને વહેલામાં વહેલી તકે કાઢીને નવા થાંભલા ઉભા નહીં કરવામાં આવશે તો મેન્ટેનન્સ અને અકસ્માતોમાં વધારો થશે એવી ભીતિ જોવાઈ રહી છે. તેથી તંત્રએ તાત્કાલિક અસરથી ઝડપી પગલાં ભરવામાં આવે અને જ્યાં જ્યાં જર્જરીત વીજળીના થાંભલાઓ દેખાય ત્યાં ત્યાં નવા થાંભલા ઉભા કરી દેવામાં આવે અને તમામ બંધ સ્ટ્રીટ લાઈટો ફરી ઝળહળતી કરવામાં આવે અને દિવાળીના માહોલમાં રોશનીથી ઝગમગાટ થાય એ ખુબ જ જરૂરી છે.
