Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

દાનહના દરેક ઘરોમાં જઈ આરોગ્‍ય વિભાગના કર્મીઓએ મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરવા શરૂ કરેલી કામગીરીઃ દાનહના ચીફ મેડિકલ ઓફિસર ડો. ડી.કે.મકવાણા તથા કાર્યક્રમ અમલીકરણ અધિકારીઓએ પણ વિવિધ સ્‍થળોએ પ્રત્‍યક્ષ જઈ જિલ્લામાં ચાલી રહેલ ડેંગ્‍યુના રોકથામ અભિયાનનું આરોગ્‍ય વિભાગના સલાહકાર સાથે શરૂ કરેલું નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના સતત વધી રહેલા રોગચાળાને ધ્‍યાનમાં રાખી તેને રોકવા માટે આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે મોરચો સંભાળી લીધો છે.
આજે ડેંગ્‍યુના વધવા ફેલાવાને રોકવા અને તેના નિયંત્રણ માટે આરોગ્‍ય વિભાગના કર્મચારીઓએ દાદરા નગર હવેલીના દરેક ઘરોમાં જઈ મચ્‍છરોના પ્રજનન સ્‍થળને નષ્‍ટ કરવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં પ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસ, ચીફ મેડિકલ ઓફિસર ડો. ડી.કે.મકવાણા તથાકાર્યક્રમ અમલીકરણ અધિકારીઓએ પણ વિવિધ સ્‍થળોએ પ્રત્‍યક્ષ જઈ જિલ્લામાં ચાલી રહેલ ડેંગ્‍યુના રોકથામ અને નિયંત્રણ અભિયાનનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં ઉચ્‍ચ અધિકારીઓએ આરોગ્‍યકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલ કાર્યવાહી ઉપર નજર રાખી તેમને યોગ્‍ય માર્ગદર્શન પણ આપવામાં આવ્‍યું હતું. ડેંગ્‍યુના રોકથામ માટે નાગરિકોને પોતાના ઘરોમાં સાફ-સફાઈ રાખવા અને મચ્‍છરોના પ્રજનન સ્‍થળોને નષ્‍ટ કરવા આરોગ્‍ય વિભાગ દ્વારા નિર્દેશ આપવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે વધુ માહિતી આપતાં જણાવ્‍યું છે કે, ડેંગ્‍યુની રોકથામ માટે મચ્‍છરોના પ્રજનન સ્‍થળને નષ્‍ટ કરવું ખાસ જરૂરી છે. ડેંગ્‍યુ ફેલાવતા મચ્‍છરો સ્‍વચ્‍છ સ્‍થિર પાણીમાં પેદા થાય છે. જેમાં પાણીની ટાંકી, પક્ષીઓ માટેનું પાણી પીવાનું વાસણ, ફ્રીઝ અને એ.સી.ની ટ્રે, ટીન અને પ્‍લાસ્‍ટિકના ડબ્‍બા, ફૂલદાની, નારિયેળીના કાચલા, તૂટેલા વાસણો, ટાયર વગેરેનો સમાવેશ થાય છે. તેથી પોતાના ઘરોની આજુબાજુ મચ્‍છરો પેદા નહીં થાય તે માટે ઘરની આજુબાજુ પાણી જમા નહીં થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે. ડેંગ્‍યુના મચ્‍છરો દિવસના સમયે જ કરડતા હોવાથી દિવસ દરમિયાન ફૂલ બાંયના કપડાં પહેરવા અને પોતાના શરીરને ઢાંકીને રાખવા પણ નિર્દેશ આપ્‍યો છે.ઘરોમાં મચ્‍છર અગરબત્તી અથવા મચ્‍છર લિક્‍વિડ સ્‍પ્રેનો ઉપયોગ કરે અથવા કપડાં ઉપર મચ્‍છર રેપલેન્‍ટ સ્‍પ્રે અથવા ક્રીમનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. દિવસ દરમિયાન સુતા સમયે મચ્‍છરદાનીનો ઉપયોગ કરવા પણ સલાહ આપવામાં આવી છે. જો કોઈને ડેંગ્‍યુની બિમારીના લક્ષણ દેખાય તો પોતે દવા લેવાની જગ્‍યાએ તાત્‍કાલિક નજીકની હોસ્‍પિટલમાં જઈ પોતાની તપાસ અને ઈલાજ કરાવવા પણ જણાવાયું છે. ડેંગ્‍યુના રોગચાળાની રોકથામ માટે આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ પ્રદેશના તમામ ઘરોમાં જઈ મચ્‍છરોના પ્રજનન સ્‍થળને નષ્‍ટ કરી રહ્યા છે. પ્રદેશના નાગરિકોને આરોગ્‍યકર્મીઓને મચ્‍છરોના પ્રજનન સ્‍થળને નષ્‍ટ કરવામાં સહાયતા કરવા આરોગ્‍ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. ડેંગ્‍યુની બાબતમાં વધુ જાણકારી માટે આરોગ્‍યકર્મી અથવા ટોલ ફ્રી નંબર 104 ઉપર સંપર્ક કરી શકાય છે.

Related posts

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

ઔરંગા નદીમાં વધુ એકવાર પૂર આવતા વલસાડ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કુદરતી પ્રકોપનો વિનાશ વેરાયો

vartmanpravah

વાપી ખાતે પારડી વિધાનસભા મત વિસ્‍તારનો ભાજપના ધારાસભ્‍ય અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment