July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

મજબૂત લોકશાહીનું નિર્માણ અને દેશને સશક્‍ત બનાવવા માટે મતદાન અતિ આવશ્‍યકઃ સ્‍ટેટ આઈકોન

વિશેષ મુલાકાતઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: ‘ચુનાવ કા પર્વ’, ‘દેશ કા ગર્વ’ના સંદેશ સાથે લોકતંત્રનો મહાઉત્‍સવ આગામી તા.7 મે ના રોજ વલસાડ જિલ્લામાં ઉત્‍સાહભેર ઉજવવામાં આવનાર છે ત્‍યારે વલસાડ જિલ્લાના થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન મારિયા પંજવાણીએ 26-વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાના નામથી જ ‘‘મારિયા મતદાન જાગૃતિ અભિયાન” છેડ્‍યુંછે. જેની હકારાત્‍મક અસર ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. ત્‍યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લાના થર્ડ જેન્‍ડરના મતદારોને વ્‍યક્‍તિગત મળી મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે.
મૂળ ધંધુકાના વતની પરંતુ વલસાડ જિલ્લાના વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર મારિયા પંજવાણી થર્ડ જેન્‍ડરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ છે. એમ.કોમ, બી.એડ સહિતની કુલ પાંચ ડિગ્રી અને ફ્રેંચ, પોર્ટુગીઝ તેમજ જર્મન ભાષાના જાણકાર મારિયા પંજવાણીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં વાપીના થર્ડ જેન્‍ડર કેટેગરીમાં સમાવિષ્ટ મતદારોના ઈલેક્‍શન કાર્ડ બનાવવા અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તમામને મતદાન મથક સુધી દોરી જવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી. ઉચ્‍ચ ડિગ્રી અને મતદાન જાગૃતિ અભિયાનની પ્રશંસનીય કામગીરને પગલે લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા તેમની સ્‍ટેટ આઈકોન તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે. ત્‍યારબાદ તેમણે મતદારોને જાગૃત કરવા માટે વલસાડ તેમજ અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મીટિંગો યોજી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ઈલેકશન કમિશનનો આભાર માનતા કહ્યું કે, વર્ષ 2019ની ચૂંટણીથી અમને ટ્રાન્‍સજેન્‍ડર તરીકેનું અલગઅસ્‍તિત્‍વ મળ્‍યું છે. લોકશાહીના પર્વમાં અમે પણ સહભાગી થવાનું ગૌરવ અનુભવીએ છીએ.
સોશિયલ મીડિયાના ઈન્‍સ્‍ટાગ્રામ પ્‍લેટફોર્મ પર દોઢ લાખ અને ફેસબુક પર પાંચ હજાર ફોલોઅર્સ ધરાવતી મારિયા પંજવાણીએ સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા જણાવ્‍યું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્‍યવિધાતા છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્‍ય છે. દેશના સર્વાંગી વિકાસમાં એક એક મતનું આગવું મહત્‍વ છે. મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા અને દેશને સશક્‍ત બનાવવા માટે મતદાન અતિ આવશ્‍યક છે. વલસાડ જિલ્લા સહિત રાજ્‍યના મતદારોને કોઈપણ લોભ લાલચમાં આવ્‍યા વિના નિર્ભિક બની મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી છે.

જિલ્લામાં સૌથી વધુ પારડી અને ઉમરગામમાં ટ્રાન્‍સજેન્‍ડર નોંધાયા
રાજ્‍યમાં કુલ 1503 થર્ડ જેન્‍ડર મતદારો છે. જેમાંથી વલસાડ બેઠક પર કુલ 19 થર્ડ જેન્‍ડર મતદાર યાદીમાં નોંધાયા છે. જે પૈકી ડાંગમાં બે, વલસાડમાં ત્રણ, પારડીમાં પાંચ, કપરાડામાં ચાર અને ઉમરગામમાં પાંચ થર્ડ જેન્‍ડરનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં નોંધાયેલા તમામ ટ્રાન્‍સજેન્‍ડર મતદારો 100 ટકા મતદાન કરે તે માટે મારિયા પંજવાણીએ વ્‍યક્‍તિગત સંપર્ક કરી મતદાનજાગૃતિ માટે પહેલ કરી છે.

Related posts

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

તડગામ ખાતે સરીગામ સીઇટીપી પાઇપલાઇનના મુદ્દે બોલાવેલી બેઠકમાં લેવાયેલા મહત્‍વના નિર્ણયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં આરોગ્‍ય શાખા દ્વારા રક્‍તદાન શિબિરમાં 421 બોટલ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

vartmanpravah

Leave a Comment