સ્વામિનારાણ સંસ્થાનમાં સ્વચ્છતા, શિક્ષણ અને શિસ્તની પ્રતિતિ થાય છેઃ કેન્દ્રિય જળમંત્રી સી.આર.પાટીલ
કેન્દ્રિય જળમંત્રી સી.આર.પાટીલ, સંસદીય બાબતોના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, વડતાલધામના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિત વિવિધ મહાગુરૂઓ વિશેષ ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા શ્રી ઘનશ્યામ ગોપાલન, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગણદેવી, નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલ, સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચશિક્ષણના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સહિત વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધિપતિ ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને અન્ય મહાગુરૂઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવસારી સાંસદ અને ભારત સરકારના કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંસ્થાનમાં સ્વચ્છતા,શિક્ષણ અને શિસ્તની પ્રતિતિ થાય છે. ફક્ત સેવાની ભાવના સાથે સ્વામિનારાયણ સંપ્રદાય કાર્યરત છે. શિક્ષણ સાથે સંસ્કારનું સમન્વય પોતાના બાળકોમાં મળશે તેવી ભાવનાથી માતા-પિતા આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલે છે. જેના માટે સ્વામિનારાયણ સંસ્થા અભિનંદનને પાત્ર છે.
શ્રી પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, પશુઓ પણ લાગણી સાથે સંકળાયેલા હોય છે લગભગ 60 વર્ષથી ગાયોની સેવા કરવા તથા ગાયોને માતા તરીકે પુજા-સેવા કરવા સ્વામિનારાયણ સંસ્થાન પ્રખ્યાત છે. આજે મંદિરના ભવ્ય નિર્માણ માટે તથા 40 હજારથી વધુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારના સમન્વય માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અંતે ધર્મમાં આસ્થા રાખવા સૌ નાગરિકો અને કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો.
આ સાથે તમણે ‘કેચ થ રેઇન’ અભિયાન અંગે સૌને જાણકારી આપી વરસાદી પાણીને બચાવવા રેઈન વોટર હાર્વેસ્ટ કરવા તથા ‘ગામનું પાણી ગામમા જ રહેવું જોઈએ’ એમ અપીલ કરતા પોતાના ઘર અને ફેક્ટરીમાં પાણીની બચત કરવા કહ્યું હતું. તેમણે તમામ સ્વામીજી તથા ગુરૂજનોને આ અભિયાનમા જોડાવા આગ્રહ કર્યો હતો.
આ પ્રસંગે વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધિપતિ ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષા ભગવાનનો આશિર્વાદ છે. આશિર્વાદ સામુહિક મળતો હોવાથી ઘણી વખત તેનું મહત્વ રહેતું નથી પરંતું ગુરૂકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જળ સંચયના અભિયાનમાં સંપૂર્ણ સમર્પણ આપીશું તથા સરકારનો જળ સંચયનો અભિગમ છે તેમાં રાજી ખુશીથી જોડાઈશું એમ ખાત્રી આપી હતી. આ ઉપરાંત તેમણે ગુરૂકુળ પરિવારના સંતો મહંત્તો અને સંપ્રદાય દ્વારા કરવામાં આવતી પશુ સેવા, માનવ સેવા અંગે સૌને અવગત કરી આવા સક્રિય કાર્યો કરતા રહેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે રિબીન કાપી સાંસ્કૃતિક ગૌધામનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના સંસદિય બાબતોના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા સહિત મહાનુભાવોએ સ્વામિનારાયણ મંદિરના ગર્ભમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે નવનિર્મિત ગૌધામના આર્કિટેક્ચરલ બાબતોને નિહાળી તેની સરાહના કરી હતી.
સ્વામીજી ધર્મવલ્લભદાસજી દ્વારા સ્વાગત પ્રવચન થકી આજના કાર્યક્રમ અંગે સૌને અવગત કર્યા હતા. તેમણે સ્વામિનારાયણ સંસ્થાનના કાર્યો, ગાયોની સેવા, સંતોમહંતો, ગુરૂકુલ વિગેરે વિશે ઉપસ્થિત સૌને જાણકારી આપી નવસારી જિલ્લાનીઆ ધરતી સંતોની ધરતી છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સ્વામીજીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા સર્વજીવ હિતાવહ સંદેશ અનુસાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ધાર્મિક, સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાઓ પ્રવાહિત છે.
50 વર્ષથી જ્યાં ગૌ સેવા, આદિવાસી ઉત્કર્ષ તેમજ ધર્મજીવન સંત પાઠશાળા ચાલે છે એવા શ્રી ઘનશ્યામ ગોપાલન નવસારીની પુણ્ય ભૂમિમાં 200 ઉપરાંત ગીર ગાયોના નિવાસ સ્થાનરૂપ અને ભારતીય સંસ્કળતિ તેમજ માનવ જીવનને ઉજાગર કરતું ભવ્યાતિ ભવ્ય સાંસ્કળતિક ગૌધામ તેમજ પંચ શિખરયુક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.
વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના પીઠાધિપતિ ધર્મધુરંધર પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ પરમ પૂજ્ય સંતગુણ વિભૂષિત ગુરુવર્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ મહંતસ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તેમજ સદ્ગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા મહાનુભાવોની પાવન ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ગૌધામનો ભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ યોજાયો હતો.
કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગણદેવીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરાયું હતું.આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહિત સમગ્ર નવસારી જિલ્લાના મહાગુરૂજીઓ, સ્વામીઓ, ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.