(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તા. 14 મી સપ્ટેમ્બરના રોજ વર્ષની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજ્યની હાઈકોર્ટ સંચાલિત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. જે અભિગમનાં ભાગરૂપે સમયાંતરે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
આ લોકઅદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય અપાવવા પ્રયાસ થતા હોય છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલસા) નાં વર્ષ-2024નાં એકશન પ્લાન મુજબ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં પણ આગામી તારીખ 14/09/2024નાંરોજ વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં કોર્ટમાં પડતર સમાધાન લાયક સીવીલ અને ક્રિમીનલ કેસ જેવા કે, ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ચેક રિટર્નનાં કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા તેમજ પ્રિ-લીટીગેશન કેસો જેવા કે બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઈલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો વિગેરે સમાધાન માટે મુકવામાં આવશે. તેમજ ટ્રાફીક ઈ-ચલણનાં વસુલાતનાં કેસો લેવામાં આવશે કે જેમાં ઈ-ચલણનાં નાણાંની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી. જેથી આ લોક અદાલતનો જાહેર જનતા વધુમાં વધુ લાભ લે અને લોક અદાલતનાં દિવસે તા.14/09/2024 નાં રોજ સંબધિત અદાલત સમક્ષ હાજર રહે અને પક્ષકારો પોતાનો કેસ લોક અદાલતમાં સમાધાનથી નિકાલ કરવા માંગતા હોય તો તેઓએ સંબધિત કોર્ટનો અથવા તાલુકા કોર્ટમાં અધ્યક્ષશ્રી, તાલુકા કાનૂની સેવા સમિતિ અને જિલ્લા કોર્ટમાં સચિવશ્રી,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનો સંપર્ક સાધવા અધ્યક્ષશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાલસા ટોલ ફ્રી નં. 15100 ઉપર પણ વધુ માહિતી મેળવી શકાશે.