ખેડૂતો સ્પર્ધાત્મક ખેતી ગુણવતા યુક્ત ઉત્પાદન અને નૈનો
ખાતર તરફ વળે તે જરૂરી-ચેરમેન ભરતભાઈ પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.15: ઘેજ વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની ગોડાઉન ફળીયા સ્થિત કચેરીમાં ચેરમેન ભરતભાઈ, વાઇસ ચેરમેન ઉત્તમભાઈ, ઉપરાંત ઉકાભાઈ, જયેશભાઈ, અતિકભાઈ, ગમનભાઈ સહિતના ડિરેક્ટરો, એપીએમસીના ડિરેક્ટર ધર્મેશભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં અગાઉની સભાની કાર્યવાહી ઉપરાંત નવી ચૂંટાયેલી બોડીને પણ સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલે મંડળીની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં દુકાન ફળીયા સ્થિત મંડળીના બીજા ગોડાઉનનો વિકાસ કરી મંડળીની આવકમાં વધારો થવા સાથે ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં ચેરમેન ભરતભાઈએ ખેડૂતો મંડળીમાંથી ખાતર ખરીદવાનો આગ્રહ રાખે અને નૈનો યુરિયા, ડીએપી ખાતરનો ઉપયોગ વધારે તેવો અનુરોધ કરી વર્તમાન સમયમાં સ્પર્ધાત્મક ખેતી કરી ગુણવતાયુક્ત ઉત્પાદન તરફ વળે તેનાપર ભાર મુકયો હતો.
તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈએ મંડળીના ચૂંટાયેલા તમામ ડિરેક્ટરો અને ચેરમેન, વાઇસ ચેરમનને અભિનંદન પાઠવી આભારવિધિ કરી હતી. વાર્ષિક સાધારણ સભામાં ભરડાના ખેડૂત અગ્રણી ખાલપભાઈ ઉપરાંત છગનકાકા પૂર્વ તાલુકા સભ્ય અમ્રતભાઈ, અશોકભાઈ છતરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મંડળીના સમગ્ર વર્ષના હિસાબના લેખા-જોખા સેક્રેટરી ધર્મેશભાઈએ રજૂ કરી સભાનું સંચાલન કર્યું હતું.