ચોમાસામાં પાલિકા વિસ્તાર અને હાઈવે અને સર્વિસ રોડો તૂટી ફૂટી ખાડાના સામ્રાજ્યમાં પરિવર્તિત થયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વર્તમાન ચોમાસાએ જિલ્લાભરના હાઈવે સહિતના રોડ બેહાલ થઈ ચૂક્યા હતા. વાહન ચાલકો બે-ત્રણ મહિનાથી ત્રસ્ત થઈ ગયા હતા પરંતુ હવે રાહતના સમાચાર છે. વાપી પાલિકા સહિત હાઈવેઓથોરિટીએ રોડ મરામતની કામગીરી પુરઝડપે આરંભી દીધી છે. આઠ-દશ દિવસમાં વાહન ચાલકોને સારા રોડ મળશે તેવો સુખદ અણસાર સાંપડયો છે.
વાપી પાલિકાના તમામ રોડ ખાસ કરીને ચલા ગોલ્ડ કોઈનથી ચલા ચેકપોસ્ટ સુધીનો રોડ વરસાદમાં બેહાલ થઈ ગયા હતા. બીજી તરફ સલવાવથી યુ.પી.એલ. પુલ સુધી મુખ્ય હાઈવે સહિતના બન્ને તરફના સર્વિસ રોડ તૂટી ફૂટી ખાડેખાડા પડી ગયા હતા. પરિણામે બે-ત્રણ મહિનાથી વાહન ચાલકોની કમ્મર તૂટી રહી હતી પરંતુ આ યાતના ભૂતકાળ બની જશે એવા સારા સમાચાર છે. હાઈવે ઓથોરિટી અને પાલિકા તંત્રએ આળસ ખંખેરી રોડનું નવિનિકરણ અને મરામતની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દીધી છે. વૈશાલી પુલ સહિત આજુબાજુના સર્વિસ રોડનું નવિનિકરણ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળના વર્ષોમાં વાપીના રોડની સ્થિતિ આટલી બધી ખરાબ નહોતી પરંતુ આ વર્ષે તો વાપી સહિત હાઈવેનો કોઈપણ રોડ બચ્યો નહોતો. તમામ રોડ તૂટી ચૂક્યા છે. ખેર હવે સારા રોડ બને એવું વાપીની જનતા ઈચ્છી રહી છે.