હાટ બજારને લઈ પારડી શહેરના 750 વેપારીઓને થઈ રહી છે સીધી અસર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.07: પારડી શહેર વિસ્તારમાં 750 થી વધુ નાના-મોટા દુકાનદારો પૈકી પારડી નગરપાલિકામાં ટોપલા વાળાઓ વર્ષના 3,650, લારીવાળાઓ 7300, નાના દુકાનદારો 2500 રૂપિયા તથા મોટા દુકાનદારો 10,000 ની આસપાસ વેરાઓ ભરીપારડી નગરમાં નાના મોટો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઉપરાંત આ વેપારીઓ મહામારી હોય કે સરકારી કાર્યક્રમ હોય આ તમામમાં સહભાગી થઈ તન મન અને ધનથી મદદ પણ કરતા આવ્યા છે.
પરંતુ હાલમાં 1 ઓગસ્ટથી પારડી નગરપાલિકા ચીવલ રોડ ખાતે આવેલ ખુલ્લી ખેતીલાયક જગ્યામાં પારડી નગરપાલિકાએ માસિક 5500 રૂપિયા લઇ હાટ બજાર (હટવાડો) ની પરવાનગી આપવામાં આવતા આ ખુલ્લી જગ્યામાં 400 થી 500 જેટલા પારડી બહારના વેપારીઓ શાકભાજીથી લઇ તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાન લગાવી વેપાર કરતા હોય તેની સીધી અસર અહીંના સ્થાનિક વેપારીઓ પર થઈ રહી છે અને આ સ્થાનિક વેપારીઓને બેંકના હપ્તાઓ તથા દુકાનનું ભાડું પણ ચૂકવવા મુશ્કેલ બની રહ્યું છે.
પારડી શહેરમાં નિયમ મુજબ અઠવાડિયામાં એક દિવસ દુકાન બંધ રાખવાના નિયમ મુજબ રવિવારે તમામ દુકાનો બંધ રહેતી હોય પહેલેથી જ રવિવારે પણ બહારથી આવી વેપારીઓ આ બંધ દુકાન આગળ પાથરણા લગાવી વેપાર કરતાં આવ્યા છે. આ રવિવારી તથા શનિવારે મોટા પ્રમાણમાં ભરાતા હાટ બજાર (હટવાડા) બંધ કરવામાં આવે તે માટે આજરોજ તારીખ 7/10/2024 ના રોજ પારડી વેપારી મંડળ દ્વારા એક આવેદનપત્ર પારડી નગરપાલિકા ચીફ ઓફિસર અને પારડીમામલતદાર તથા પ્રાંત ઓફિસમાં આપવામાં આવ્યું હતું અને આ હાટ બજાર બંધ ન થાય તો ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
પારડી નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસમાં આપવામાં આવેલા આવેદન પત્ર કાર્યક્રમમાં વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ, ઉપપ્રમુખ દિવ્યેશભાઈ રાજભોઈ, અમિત રાણા, કલ્પેશભાઈ, નરેશભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં પારડી નગરના નાના-મોટા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.