ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત સુરત અહમદનગર હાઈવે માટેની જમીન સંપાદન અંગેની તંત્ર દ્વારા ફેરફાર નોંધ રદ્ કરાયાના થોડા સમયમાં ફરી સર્વે હાથ ધરાતા સ્થાનિકો મુંઝવણ મુકાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારના ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જમીન સંપાદન માટે પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામું રદ થયા બાદ તાલુકાના બોડવાંક, નોગામાં, માંડવખડક, સારવણી, કાકડવેલ, ટાંકલ, વાંઝણા, રાનવેરી કલ્લા, સુરખાઈ, કુકેરી સહિતના ગામોના ખેડૂતોની જમીનની 7-12 ના ઉતારામાં જમીન સંપાદન માટે પાડવામાં આવેલ ફેરફાર નોંધ મામલતદાર કચેરી દ્વારા રદ કરવામાં આવતાં આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતોમાં રાહત સાથે આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
આ દરમ્યાન આ પ્રોજેક્ટના રૂટમાં ગામો પૈકી નોગામાં અને ટાંકલમાં ગતરોજ ખાનગી એજન્સીની ટીમ દ્વારા સંબંધિત ગ્રામ પંચાયત સહિતના સ્થાનિક તંત્રને, ખેડૂતોને કોઇપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વિના નોગામાં ગામે ઉજાઈ માતાના મંદિર વિસ્તારમાં સર્વેની કામગીરી કરવામાંઆવતા સ્થાનિકોના કયા પ્રોજેકટ કે કયા કામ માટે સર્વે કરવામાં આવી રહ્યું છે તેવા સવાલોના જવાબ પણ આ ટીમના સભ્યો દ્વારા ન આપવામાં આવતા ખેડૂતો અને આગેવાનોએ વિરોધ વ્યક્ત કરી આ ટીમને સ્થળ પરથી રવાના કરી દીધી હતી. બાદમાં ટાંકલ ગામે જતા ત્યાં પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. અને સર્વેની કામગીરી અટકાવી દીધી હતી.
જોકે જમીન પર થઇ રહેલ સર્વેની કામગીરી સ્થાનિકોએ અટકાવતા બાદમાં ડ્રોન ઉડાડી તેના દ્વારા કામગીરી કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું. હકીકતમાં જે પ્રોજેકટ માત્ર સર્વે થવાનું હોય તે માટે ખેડૂતોને પૂરતી સમજણ આપી આગોતરી જાણ કરવામાં આવે તો આવી સ્થિતિ ન સર્જાઈ પરંતુ ખેડૂતોને અંધારામાં રાખી આ રીતે સર્વે કરવામાં આવે ત્યારે વિરોધ થાય એ સ્વભાવિક છે.
નોગામાં ગામના પૂર્વ સરપંચ તેજલભાઈના જણાવ્યાનુસાર અમારા ગામમાં ગતરોજ બપોરના સમયે કેટલાક ખાનગી લોકો દ્વારા ખેડૂતોને જાણ કર્યા વિના તેમના ખેતરમાં સર્વે કરવામાં આવતા ખેડૂતોએ જાણ કરતા અમે સ્થળ પર જઇ શા માટે સર્વે કરવામાં આવી રહ્યું છે તે અંગે પૂછતા તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. અને ત્યાંથી રવાના થઈ ગયા બાદ ડ્રોન પણ ઉડાડવામાં આવ્યું હતું. હકીકતમાં તંત્ર દ્વારા સ્થાનિક પંચાયત અનેખેડૂતોને આગોતરી જાણ કરવી જોઈએ.