(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: સરકાર દ્વારા કોરોના સમયમાં રજાના દિવસો દરમ્યાન ફરજ નિભાવનાર આરોગ્ય કર્મચારીઓને 130-દિવસનો પગાર ચૂકવવાનું ઠરાવી જે તે કર્મચારીઓના ફરજના દિવસો મુજબ પગાર ચુકવવામાં આવ્યો હતો. પરંતુ ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચૂકવાયો નથી. સરકારના આવા ભેદભાવ ભર્યા વલણ સામે અંદરખાને રોષ પણ જોવા મળી રહ્યો છે.
ચીખલી તાલુકામાં વોર્ડ બોય, આયા, પટાવાળા, ડ્રાઇવર, એનએનએમ, સ્ટાફ નર્સ, કેશ રાઇટર, ક્લાર્ક, લેબ ટેક્નિશિયન સહિત 54-જેટલા અને જિલ્લાભરમાં કુલ-225 જેટલા કર્મચારીઓ આઉટ સોસિંગ થી ફરજ બજાવે છે. આજ પ્રકારે સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં પણ આઉટ સોસિંગ કરાર આધારિત કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે.
ત્યારે આ આઉટ સોર્સિંગના કર્મચારીઓએ પણ કોરોનાના કપરા સમયમાં પોતાના અને પરિવારની ચિંતા કર્યા વિના રજાના દિવસોમાં પણફરજ બજાવી હોય ત્યારે આવા કર્મચારીઓને પણ રજાના દિવસોનો પગાર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સરકાર દ્વારા કાયમી કર્મચારીઓને કોરોના સમયમાં રજાઓ દરમ્યાન બજાવેલ ફરજનું વેતન ચૂકવાયું હોય ત્યારે એક ખોળ અને બીજાને ગોળ જેવી ભેદભાવ ભરી નિતિરીતિ સામે અનેક સવાલો ઉભા થવા સાથે નારાજગી પ્રવર્તી રહી છે. ત્યારે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ રાખી આઉટ સોર્સિંગના કર્મચારીઓને પણ રજાનો પગાર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

